Gondal, તા. 6
ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં નેશનલ હાઈવે પર સિક્સ લેનનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના ડમ્પરે એક ટ્રક અને કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ડમ્પર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
નેશનલ હાઈવે પર સિક્સ લેનનું કામ કરી રહેલી વારાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ડમ્પર એ માર્ગ પર પસાર થઈ રહેલી એક ટ્રક અને વેગનર કારને હડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને મોટું નુકસાન થયું હતું.
જ્યારે ડમ્પર ચાલક તોમાંગસીગ મોહનલાલ જાટ (ઉં.વ. 55) ને શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ગોંડલ શહેર ઇ ડિવિઝન પોલીસ અને 112 પોલીસ વેન સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યારે પોલીસે વેગેનર કારને ધક્કો લગાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
હાઈવે પર અંધારપટ અને તંત્રની બેદરકારી
આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલની મુખ્ય ચોકડીઓ જેવી કે આશાપુરા ચોકડી, ઉમવાળા ચોકડી, ગુંદાળા ચોકડી આ તમામ સ્થળોએ સ્ટ્રીટ લાઈટના મોટા ટાવરો તો ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ તે માત્ર શોભાના ગાંઠિયા’ સમાન સાબિત થઈ રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે, જો આ મુખ્ય ચોકડીઓ પર લાઈટો ચાલુ હોય, તો અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે. વારંવારની રજૂઆતો છતાં લાઈટો બંધ રહેતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

