ભીડનો લાભ લઇ બે મહિલાના ગળા હળવા કરી સોનાનો ચેઇન અને મંગળસૂત્ર ચોરી લીધાં ‘તા
Rajkot.તા.30
શહેરના ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલી જીજ્ઞેશ દાદાની કથામાં મહિલાના ગળામાંથી દાગીના સેરવી લેનાર ટોળકીને એ.ડિવિઝન પોલીસે દબોચી લઈ રૂ.૩.૩૯ લાખના દાગીના કબ્જે કર્યા હતાં. ગિરદીનો લાભ લઇ બે મહિલાના ગળા હળવા કરી સોનાનો ચેઇન અને મંગળસૂત્ર ચોરી નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતાં શિક્ષક હિતેષભાઈ રમેશભાઈ ડોલર (ઉ.વ.૨૪) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મોટા બાપાની દિકરી મનીષાબેનન તેમજ તેમના સાસરા વાળા સુરત ખાતે રહે છે.ગઇ તા.૨૫ ના તેઓ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદીર (બોરડીવાળુ), ભુપેન્દ્ર રોડ ખાતે શ્રી જીગ્નેશ દાદા કથા વિરામ બાદ જતા હતા ત્યારે મંદિરના પટાંગણમાં તેમના દર્શન માટે બધા ભેગા થયા હતા. ત્યારબાદ ભીડ ઓછી થતા જાણવા મળેલ કે, ભાગવત કથામાં સુરતથી તેમના મોટા બાપુજીના દીકરી મનીષાબેનના સાસુ હેમીબેન નકુમ આવેલા હતા તેઓ પણ દર્શનાર્થે જીગ્નેશ દાદાની કાર પાસે ગયેલ હતા. મહિલાનો સોનાનો ચેઇન પણ આ જ રીતે ચોરી થયો હતો. જે અંગે એ. ડિવિઝન પોલીસ મથકમાં બે ગુના નોંધાયા હતાં. એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ બોરીયા અને મહેશ ચાવડાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પેલેસ રોડ પાસેથી ત્રણ મહીલા શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં તેને અટક કરી તેની પાસે રહેલ થેલીમાં જોતા સોનાના દાગીના જેમા એક સોનાનો ચેઇન તથા સોનાનું મગળસુત્ર મળી આવેલ જે અંગે પુછપરછ કરતા સોનાનો ચેઇન તથા સોનાનુ મંગળસુત્ર પોતે ત્રણ દિવસ પહેલા ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિરના ગેઇટ પાસે બપોરે પ્રસાદીના સમયે માણસોની ભીડ હતી તે દરમ્યાન મંદિરે દર્શન કરવા આવેલ દર્શનાર્થી બે અલગ અલગ મહીલાઓએ ગળામાંથી નજર ચુકવી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે કમલેશ ગોવીંદ વાઘેલા (ઉ.વ.૨૬), મંજુબેન વિનુ બજાણીયા (ઉ.વ.૪૯), લક્ષ્મીબેન ઉર્ફે ભોટી અજીત ઠાકોર (ઉ.વ.૩૮) (રહે. ત્રણેય મહેમદાબાદ રેલ્વે સ્ટેશન જુની કાગળની ફેકટ્રીની બાજુમા ઝુપડામાં, ખેડા) અને શકુબેન સંનજ રાવળ (ઉ.વ.-૨૯, રહે, એરંજ ગામ મહુઢા ડાકોર રોડ તલાળ પાછળ સોનવાલ હાઈસ્કુલની બાજુમાં મહુઢા-ખેડા) ની ધરપકડ કરી સોનાનો ચેઇન અને સોનાનું મંગલસૂત્ર મળી રૂ.૩.૩૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.