મોજ-શોખ માટે પૈસા માગી હેરાન કરતા વૃદ્ધાએ કર્યો આપઘાતનો પ્રયાસ
Rajkot,તા.05
શહેરના ભગવતીપરા વિસ્તારમાં વ્યસની પૌત્રની અવારનવારની પૈસાની માંગણી અને ત્રાસથી કંટાળીને વૃદ્ધ દાદીએ ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. દાદીને જોઈ પૌત્રે પણ ફિનાઈલ પી લેતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ભગવતીપરા, સુખસાગર સોસાયટી શેરી નંબર-૩ માં રહેતા હંસાબેન શામજીભાઈ વડોદરા (ઉં.વ. આશરે ૬૫) નો પૌત્ર પિયુષ વિજયભાઈ વડોદરા કોઈ કામ-ધંધો કરતો નથી અને અવારનવાર નશા માટે દાદી પાસે પૈસાની માંગણી કરી હેરાન કરતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે પિયુષે પોતાની મોજશોખ પૂરી કરવા માટે દાદી પાસે આઈ ફોન અને કાર લેવા માટે જીદ પકડી હતી. ગરીબ હાલતમાં સફાઈ કામ કરતા હંસાબેન આટલી મોટી રકમ ક્યાંથી લાવે? પૌત્રના સતત ત્રાસ અને માનસિક દબાણથી કંટાળીને ગઈકાલે સાંજે ચાર વાગ્યે હંસાબેને ઘરે રાખેલ ફિનાઈલ પી લીધું હતું.
દાદીને ફિનાઈલ પીતા જોઈ, પૌત્ર પિયુષે પણ તે જ બોટલમાંથી ફિનાઈલ પી લેતા બંનેની તબિયત લથડી હતી. તાત્કાલિક બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. . આ મામલે સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. પિયુષ વડોદરા પણ રહે છે. પિયુષ ત્રણ ભાઈઓમાં નાનો છે અને તેને નશાની આદત હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા હયાત નથી અને માતા અલગ રહે છે, જેથી પિયુષ તેના દાદી સાથે રહી રહ્યો છે.

