(મિલાપ રૂપારેલ )Amreli તા.15
અમરેલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં એક જ પરિવારની દેરાણી અને જેઠાણી વચ્ચે સીધી ટક્કર સર્જાતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.
અમરેલી નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગે્રસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 9 માં એક અનોખી રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં દેરાણી અને જેઠાણી આમને સામને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
ભાજપ તરફથી જેઠાણી રેણુકાબેન સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોંગે્રસે દેરાણી કાજલબેન સોલંકીને ટિકિટ આપી છે. બંને ઉમેદવારોએ વિધિવત રીતે ઉમેદવારી પત્ર દાખલ કર્યા છે.
એક જ પરિવારની બે મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ સર્જાતા આ વોર્ડમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. સ્થાનિક મતદારો માટે પણ આ મુકાબલો ખાસ રસપ્રદ બની રહ્યો છે.અમરેલી નગરપાલિકાની આ ચૂંટણીમાં દેરાણી-જેઠાણી વચ્ચેનો મુકાબલો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને પરિણામો પર સૌની નજર ટકી છે.

