Rajkot, તા.22
રાજકોટની 21મી એડિશનલ સિનિયર સિવિલ જજ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર પોલીસ ફરિયાદ (એફઆઈઆર), જમીન વિવાદ અથવા સહમાલિકો વચ્ચેના મતભેદના આધારે કોઈ વ્યક્તિને વીજળી જેવી જીવનજરૂરી સુવિધાથી વંચિત રાખી શકાય નહીં.
કેસની વિગતો મુજબ રાજકોટ નજીકના હડમતીયા ગામના ખેડૂત દેવરાજભાઈ હાપલિયાએ વર્ષ 2018માં પોતાની સંયુક્ત ખેતીની જમીન માટે વીજ કનેક્શન મેળવ્યું હતું. ત્યારબાદ તેમના કૌટુંબિક ભાઈ આંબાલાલ હાપલિયાએ સંમતિપત્રમાં બોગસ સહી કરીને કનેક્શન મેળવ્યાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા પીજીવીસીએલને રિપોર્ટ કરવામાં આવતા વીજ કંપનીએ કનેક્શન કાપી નાખ્યું હતું.
વીજ પુરવઠો બંધ થતાં ખેતી અને પાકને ગંભીર અસર પહોંચતા દેવરાજભાઈએ એડવોકેટ સંજય પંડિત મારફત કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે વીજળી મૂળભૂત જરૂરિયાત છે અને તે બંધારણના અનુચ્છેદ-21 હેઠળના જીવનના અધિકારનો ભાગ છે.
માત્ર એફઆઈઆર નોંધાઈ હોવાના આધારે કોઈ વ્યક્તિને દોષિત માની શકાતો નથી અને ટ્રાયલ પૂર્ણ થયા પહેલાં આવશ્યક સેવાઓથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જમીનની માલિકી અંગેનો વિવાદ પેન્ડિંગ હોય તો પણ કબ્જાધારક વ્યક્તિને વીજળીના હક્કથી વંચિત રાખી શકાય નહીં.
અંતે કોર્ટે પીજીવીસીએલ ને અરજદારના નામે રૂ. 50 હજારની ડિપોઝિટ રકમ જમા કરાવ્યા બાદ નવું વીજ કનેક્શન આપવા આદેશ કર્યો હતો. સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે આ સુવિધા મૂળ કેસના અંતિમ ચુકાદાને આધીન રહેશે.
કાનૂની વર્તુળોમાં આ ચુકાદાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે જમીન કે કુટુંબ વિવાદોને કારણે જીવનજરૂરી સુવિધાઓથી વંચિત રહેતા નાગરિકો માટે આ નિર્ણય માર્ગદર્શક બની શકે છે. આ કેસમાં અરજદાર તરફે સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ સંજય પંડિત, બીનીતા પટેલ, કે. એન. મોરી, જીજ્ઞેશ પંડિયા, દિનેશ પાતર, અરુણ સિંધલ વિગેરે રોકાયેલ હતા.

