Rajkot,તા,22
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પુરી થઈ છે. મોદી સરકારના 12 વર્ષની ઉજવણી પણ સંપન્ન થઈ છે અને હવે આજથી રાજયભરમાં પ્રવેશોત્સવ સપ્તાહ શરૂ થયુ છે. જો કે એક તરફ રાજયમાં ખેચાયેલા ચોમાસાની ચિંતા છે તથા વહીવટીતંત્રને સાબદુ કરી દેવાયુ છે. રાજયમાં તેની સાથે 2027ના અંતે યોજાનારી ચુંટણીમાં 18 માસ મહત્વના પુરવાર થશે અને ભાજપે તેની તૈયારી શરૂ કરી છે.
ભુપેન્દ્ર પટેલ- સી.આર.પાટીલની જોડીએ 156 બેઠકોનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે મુખ્યમંત્રીના જોડીદાર બદલાઈ ગયા છે અને નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સાથે આ રેકોર્ડ જાળવવાનો પડકાર છે તેમાં સૌપ્રથમ હવે એ ચર્ચા પણ ચાલુ થઈ છે કે શું બોર્ડ નિગમમાં પક્ષના કાર્યકર્તા નેતાઓની નિયુક્તિ થશે! લાંબા સમયથી તે રાહ જોવાયા બાદ કાર્યકર્તાઓ લગભગ ભુલી પણ ગયા છે તેમાં ફરી સમજાવાયા છે.
ખાસ કરીને સ્થાનિક ચુંટણીઓમાં જેઓને ટિકીટ મળી નથી તેવો વગદાર નેતાઓ તથા મંત્રીમંડળમાં સ્થાન નહી મેળવનાર ધારાસભ્યો કંઈક વધુ અપેક્ષા રાખે છે. ભાજપે કેટલાક વગદાર નેતાઓને કેન્દ્ર સરકારના કેટલાક નિગમોમાં ડિરેકટર તરીકે સ્થાન આપીને તેઓ લેટરપેડમાં અને સોશ્યલ મીડીયામાં ‘બાયો’ લખી શકે તેવી વ્યવસ્થા કરી છે. કેટલાકને જાહેર ક્ષેત્રની બેન્કમાં ડિરેકટર બનાવી ભાડા-ભથ્થા-ગીફટ મળે તે પણ નિશ્ચિત કરી દીધુ છે. લોકલ-બોર્ડ-નિગમો તો અધિકારીઓ જ ચલાવે છે. કેટલાક કાર્યકર્તાઓ આ માટે ગાંધીનગરમાં દાણો દાબી આવ્યા છે. હવે તેઓનું કેટલુ ઉપજે છે તેના પર નજર છે.
રાજયભરમાં નવા 15 અને તેની સાથે ચુંટણીમાં ગયેલી છ મહાપાલિકામાં નવા મેયર સહિતના પદાધિકારીઓ નિયુક્ત થઈ ગયા અને તેઓએ કામકાજ પણ સંભાળી લીધુ છે તે વચ્ચે કેટલીક ‘મલાઈદાર’ મહાપાલિકામાં અગાઉ જે રીતે સ્ટેન્ડીંગ કે સામાન્ય સભા પુર્વે સંગઠનના હોદેદારો સાથે ખાસ કરીને મહાનગર પ્રમુખ સાથે સંકલન યોજાતી હતી તે વ્યવસ્થા બદલ હવે સંગઠન મહાપાલિકાથી દુર જ રહેવું. રોજબરોજના કામમાં કોઈ ચંચૂપાત નહી કરવા સુચના આપી છે.
તેથી મહાપાલિકાના સંગઠનોમાં ચર્ચા છે કે લાંબા સમયથી ચાલી આવતી આ પરંપરા રદ કેમ થઈ! કોના પર અવિશ્વાસ છે! મહાનગર પ્રમુખે કઈ પ્રશ્ન ઉઠાવવાના હોય તો પણ જે તે પ્રભારી મહામંત્રી ને કહેવું પડશે. ચર્ચા મુજબ મહાપાલિકામાં અગાઉ જે કેટલાક વહીવટ થયા તેમાં સંગઠનની ભૂમિકા શંકાસ્પદ હતી તો બીજી તરફ મેયર-સ્ટેન્ડીંગ ચેરમેનોને છુટો દૌર અપાયો છે. સાથે સાથે લક્ષ્મણ રેખા બાંધવામાં આવી છે.
તેઓને પણ હવે સ્પષ્ટ જણાવી દેવાયું છે કે સ્વચ્છ વહીવટ જ કરવાનો છે. જો કોઈ તેમાંથી ચલીત થશે તો ટર્મ વચ્ચેથી પણ ખસેડી દેવાશે. સુરતમાં જે રીતે ભેદી ડીમોલીશન થયુ તેમાં વાત પીએમઓ સુધી ગયાની ચર્ચા બાદ પણ પડદો પાડી દેવાયો તેની પણ ચર્ચા ભાજપમાં છે. આ ઉપરાંત કામ કરવા કામની ‘પબ્લીસીટી’ વધુ થાય તે કરવા જણાવાયુ છે. મતલબ કે ઈમેજ બગડવી જોઈએ નહી. 2027 આવી રહી છે.

