Surendranagar, તા.7
સુરેન્દ્રનગર રાજકોટ રેન્જ આઇજીની ટીમે ચોટીલા નજીકથી કાર મારફતે વિદેશી દારૂની ખેપ મારતા એક કુટુંબને રંગેહાથ ઝડપી પાડ્યું. પતિ, પત્ની અને પુત્ર પરિવાર સાથે મુસાફરીના બહાને દારૂની હેરફેર કરી રહ્યા હતા. પોલીસે શંકા આધારે કારની તલાશી લેતા મોટો જથ્થો મળી આવ્યો. ગુનાખોરીમાં સમગ્ર પરિવાર સંડોવાયેલો હોવાને કારણે પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ કારની નીચે ખાસ ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂની બોટલો છુપાવી હતી. આ ચોરખાણું એટલી કુશળતાથી બનાવાયું હતું કે સામાન્ય નજરે તે દેખાતું જ ન હતું.
પોલીસને ચકમો આપવા માટે પરિવાર સાથે મુસાફરી કરી હેરફેર કરવામાં આવતી હતી. વિદેશી દારૂ છુપાવવા માટે બનાવાયેલા આ ખાસ ચોરખાણું જોઈ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 211 બોટલો સહિત કાર મળી કુલ રૂપિયા 3.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ઝડપાયેલા આરોપીઓ તરીકે સોહનરામ ગણેશરામ પરમાર, કૃણાલ સોહનરામ પરમાર અને રેખાબેન સોહનરામ પરમારના નામ બહાર આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ વિદેશી દારૂની હેરફેર અને પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

