New Delhi,તા.27
ક્રુડતેલના ઉંચા ભાવના કારણે મોંઘા થઈ રહેલા વિમાની ઈંધણ તથા હવે વેકેશન-હોલી ડે સીઝન પુરી થવા જઈ રહી હોવાથી દેશની બે ટોચની એરલાઈન એર ઈન્ડિયા અને ઈન્ડીગો તેની દૈનિક વિમાની સેવામાં મોટો કાપ મુકી રહી છે તથા 1 જૂનથી 90 દિવસના શેડયુલથી એરઈન્ડીયા તેની વિમાની સેવામાં 15% જયારે ઈન્ડીગો 5થી7% કાપ મુકશે.
આ બન્ને એરલાઈન દેશના હવાઈ ટ્રાફીકમાં 90% જેવો હિસ્સો ધરાવે છે અને તેથી તેની હવાઈ સેવામાં ઘટાડો એ એકંદરે વિમાની ઉડાનમાં થોડી મંદી જેવા સંકેત છે. એર ઈન્ડીયાના એક સિનીયર અધિકારીના જણાવ્યા મુજબ એરલાઈન દ્વારા રોજની સરેરાશ 3800 ફલાઈટનું સંચાલન થાય છે.
હવે વિમાની ઈંધણ જે એવીએશન ફયુલ એટીએફના નામે જાણીતું છે તેનો ભાવ રૂા.80000 પ્રતિ કિલો લીટરની આસપાસ રહેતો હતો તે રૂા.1 લાખ પ્રતિ કિલોલીટર થયા છે તેથી હવે વિમાનોનો ઉડ્ડયન ખર્ચ અત્યંત વધી ગયો છે પણ બન્ને એરલાઈન એ નિશ્ચિત કરશે કે કોઈ રૂટ પર સદંતર વિમાની સેવા બંધ થશે નહી પણ દેશના મેટ્રો સીટી દિલ્હી-મુંબઈ-ચેન્નઈ-હૈદરાબાદ-પટણા-ભોપાલ-બેંગલુરુ-કોલકતા વિ. પર જે રીતે `બસ’ની જેમ વિમાની સેવા ઉપલબ્ધ હતી.
તેના બદલે મુસાફરોને ચોકકસ સમયે આ સેવા મળતી રહેશે. ખાસ કરીને મુંબઈ-દિલ્હી પર કનેકટીવીટી ઘટશે. દક્ષિણના રૂટને પણ અસર થશે. એક કારણ એ પણ છે કે આંતરરાષ્ટ્રીય વિમાની સેવામાં પણ થોડો ઘટાડો થયો છે. જેના કારણે કનેકટીવીટી પણ ઓછી થઈ છે તથા વેકેશનની સીઝન પુરી થતા હવે અનેક રૂટની ડિમાન્ડ ઘટશે.
ઈન્ડીગોની પણ આવીજ દલીલો છે. આ વિમાની કંપની રોજની 1900 વિમાની સેવા થાય છે તેમાં 5-7% કાપ મુકશે. એર ઈન્ડીયાએ તો તેની તથા વિસ્તારા એર એશિયાની આંતરરાષ્ટ્રીય સેવા પણ ઘટાડી છે. કંપનીઓ એક વખત 3 માસનો ટ્રેન્ડ જોયા બાદ નવી સીઝન અંગે નિર્ણય લેશે.

