ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
સમયની ગતિને આયામમાં નિશ્ચિત કરવા માટે ભારતીય સંસ્કૃતિમાં સૂર્ય ચંદ્રનાં દાખલા લેવામાં આવે છે, અને તેની ગતિ પર સમગ્ર સૃષ્ટિનું કાર્ય પૂર્ણ રૂપે નિયત છે. બળબળતા તાપમાં ભક્તિ ભાવે ઠંડક કરાવતો ભગવાન પુરુષોત્તમનો વ્રત મહિમાં ગાતાં, અધિક માસની સ્થાપના થઈ છે. બહુ ઓછા લોકો જાણતાં હશે, કે આ માસને મળ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનો સ્વયં ભગવાન પુરુષોત્તમ એટલે કે વિષ્ણુનો છે, અને આ મહિના દરમિયાન તેની વિશિષ્ટ રીતે ઉપાસના કરવામાં આવે છે. તો આ માસ આપણી હિન્દુ સંસ્કૃતિમાં જ શું કામ? અને તેનું મહત્વ શું છે? તે વિશે આપણે આજે વાત કરીશું.
ભારતીય વાર તિથિના કૅલેન્ડર કે પંચાંગમાં દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે. ખગોળ શાસ્ત્ર પર પૂર્ણ આધારિત સંવત ઈસ્વીશનનું આપણું વર્ષ રહ્યું છે.આપણે ત્યાં એક વર્ષ સૌર વર્ષ અને બીજું ચંદ્ર વર્ષ તરીકે હોય છે, આ બંને મા સૌર વર્ષમાં ૩૬૫ દિવસ પુરા થાય, એટલે એક વર્ષ પૂરું થાય છે. જ્યારે ચંદ્ર વર્ષમાં ૩૫૪ને દિવસે આ વર્ષ પૂરું થઈ જાય છે. એટલે કે અગિયાર દિવસનો આ તફાવત ને પુર્ણ કરવા માટે આખા એક માસની આપણે ત્યાં પંચાંગમાં ગોઠવણ કરવામાં આવી છે, અને આ માસ એટલે પરમ પુરષોત્તમ માસ. હિન્દુ સંસ્કૃતિમાં કોઈ તિથી બે વાર પણ આવે, અને કોઈ વાર કોઈ તિથિનો ક્ષય પણ હોય, એટલે કે એકમ ન હોય અને પાચમ બે હોય એવું પણ બને, તો કોક વાર કોઈ તિથીનો ક્ષય હોય, એટલે આ બધા દિવસો જે બચે તેનો એક અધિક માસ દર ત્રણ વર્ષે આપણે ત્યાં મનાવવામાં આવે છે, અને આ માસ ભગવાન પુરુષોત્તમે પોતાને હસ્તગત રાખ્યો છે.
આ માસ સામાન્ય રીતે કારતક મહિનાથી શરૂ કરીને ફાગણ મહિના સુધીમાં આવતો હોય છે, પરંતુ સમયની ગતિ હવે બદલાય છે, અને હવે તે ગમે તે માસ દરમિયાન આવે છે. આ વખતે જેઠ અધિક છે, જો અધિકમાસ ન હોત તો અત્યારે અધિક માસ દરમિયાન સૌરની ગતિ સ્થંભિત હોય છે, અને તેથી વિશેષ કાર્યને વર્જય ગણવામાં આવે છે. આ માસ દરમિયાન કાંઠા ગોરની પૂજાનુ વિશેષ મહત્વ છે. માટી માંથી કે વેણું માંથી કાંઠા ગોર બનાવવામાં આવે છે, અને વિશેષ કરીને સ્ત્રીઓ આ માસ દરમિયાન અધિક પ્રકારના અનુષ્ઠાન કરી વ્રત, ઉપવાસ, એકટાણા, દાન વગેરે કરતી હોય છે. કોઈ બ્રાહ્મણના ઘરમાં આ કાંઠાગોરની સ્થાપના કરવામાં આવે છે, અને પછી એ મહોલ્લાની બધી જ સ્ત્રીઓ ભેગી મળી અને કાંઠા ગોરનું ગાયન કરી, પૂજન કરી, આરતી કરી, અને આ વ્રત સંપન્ન કરતી હોય છે. આ માસમાં વ્યતિપાત આવે છે, અને તે દિવસે સંપુટ દાનનું ખૂબ જ મહત્વ હોય છે, એટલે કે ગુપ્ત રીતે દાન કરવામાં આવે છે. આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુનાં વિધવિધ મંત્ર જાપ કરવા, તીર્થોમાં સ્નાન કરવાં જવું, તીર્થમાં દર્શન કરવા જવું, તેમજ વ્રત ઉપવાસ કરવાં, અને આ પ્રકારે ભગવાનને પ્રસન્ન કરવા, તેવી કથા-વાર્તાઓ આ માસ સાથે જોડાયેલી છે. દંતકથાઓ રૂપે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી તે પ્રસન્ન થાય છે, અને તેના પરચા બતાવતી વાર્તા ઓ પણ આ વ્રત કરનાર વાંચે છે.પરચાઓમાં મારી ક્યારેય પણ શ્રદ્ધા રહી નથી, એટલે આપણે એ વિશે વાત નહીં કરીએ. ઈશ્વરને પુજવા કે ભજવા એ જીવથી થાય તો બહુ સારી વાત છે, પરંતુ ડરીને કોઈ કાર્ય ક્યારેય કરવું નહીં એ પૂર્ણ સત્ય છે.
હિંદુ સંસ્કૃતિ ઉપરાંત આપણે અત્યારે જે મુખ્ય રીતે બધાનાં ઘરનાં કૅલેન્ડરમાં ઇંગલિશ તારીખ આવી ગઈ છે, તેમાં પણ દર ચાર વર્ષે લીપ ઈયર આવે છે, એટલે કે તેમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે છે, તે પણ આનું જ કારણ છે. પરંતુ અહીં માત્ર એક દિવસનો તફાવત છે, જ્યારે આપણી સંસ્કૃતિમાં 11 દિવસનો તફાવત આવે છે. સૌર એટલે કે સૂર્ય ઉર્જા સ્થંભિત થઈ જાય, અને સૂર્ય આપણી માટે સાક્ષાત દેવ છે, એટલે મંગળ કાર્યનો નિષેધ છે, અને તેથી જ આ માસને મળ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિના દરમિયાન કોઈનાં વિવાહ કે લગ્ન કરવામાં આવતાં નથી, યજ્ઞો પવિત સંસ્કાર પણ આ મહિનામાં થતા નથી, વાસ્તુ પૂજન પણ નિષેધ છે, નામકરણ, કર ઉતારવા, મુંડન વિધિ, તેમજ મા આદ્યશક્તિના એક પણ કાર્ય એટલે કે નિવેદ્ય, યજ્ઞ કે હોમ, વગેરે પણ આ મહિનામાં થતા નથી. સૂર્ય એ આપણી સંસ્કૃતિ માં જાગૃતિ માટે બહુ જ જરૂરી છે, એટલે સૂર્ય જ્યારે ગતિ કરતો બંધ થાય ત્યારે ખગોળશાસ્ત્ર મુજબ કહેવામાં આવે છે, કે આ સમય દરમ્યાન એક અંધકાર થાય છે, અને આ અંધકારનો નાશ કરવા ભક્તિથી ભગવાન વિષ્ણુ સુધી પહોંચવાનું હોય છે. ભગવાન વાસુદેવના વિવિધ મંત્રોના જાપ કરી આ મહિનો પૂર્ણ શાંતિથી અને પૂર્ણ ભક્તિભાવથી વિતાવવામાં આવે છે.
તો આપણા સૌમાં પણ ભક્તિ ભાવ ભરવા, અને ભીતરી સંવેદના જગાડવા આ મહિનો આવ્યો છે. આપણે સૌ ભીતરની એ સંવેદના જગાડી અલૌકિક કાર્ય કરી ઈશ્વરને પ્રસન્ન કરીએ,અને દરેક જણ કર્મની ગતિથી આ સૌર ગતિને પ્રભાવિત કરીએ,તેમજ પૂર્ણ શ્રદ્ધાથી તેને ઉજવીએ, અને આપણી જેમાં આસ્થા હોય, તે મુજબ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ, કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવનો જાપ કરીએ, જે કોઈ વિષ્ણુ કે અન્ય દેવના મંત્રમાં શ્રદ્ધા હોય, તે પ્રમાણે તેનું સ્મરણ કરીએ, અને ભીતરી ભક્તિનાં ભાવથી તરબતર થઈ, પૂર્ણ પુરુષોત્તમ અનુષ્ઠાનના મહિનાને ઉજવીએ, નિત્ય કોઈ એક અનન્ય વ્રત ધારણ કરીએ, ઉપવાસ-એકટાણા થાય તો સારી વાત છે, નહીં તો અન્યને જમાડવા એવું વ્રત પણ કરી શકાય. આ મહિના દરમિયાન ઘી માંથી બનતી મીઠાઈનું દાન કરવાનો પણ ખૂબ જ મહિમા છે, તો પ્રસાદરૂપે ઠાકોરજીને ધરીને પછી તે પ્રસાદ માંથી બધાનો ભાગ પાડીએ, દાન ધર્મનો પણ ખુબજ મહિમા બતાવાયો છે, અન્ન દાન, વસ્ત્રદાન, ધાતુ દાન, ગાયને ઘાસ નાખવું વગેરે વ્રત પણ કરી શકાય. ભગવત ગીતાનો પાઠ કરી શકાય, અને તેમાં કહ્યા મુજબ દરેક નામનો પહેલો અર્થ ઈશ્વર થાય છે, માટે દરેકમાં ઈશ્વરનાં દર્શન કરીને, દરેક સાથે મધુર વ્યવહાર કરી, તેનાં દુઃખ સુખમાં તેને દિલાસો આપવો, એ પણ એક ઉત્તમ વ્રત છે. આ મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવાયો છે, એટલે કે ભગવાન પુરુષોત્તમ વિષ્ણુ સ્વરૂપ હોવાથી, આ માસ દરમિયાન વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો એ અતિ ઉત્તમ છે. તો આપણે સૌ પણ આજથી આ વિશેષ માસમાં વિશેષ અનુષ્ઠાન પસંદ કરી, આ માસને ઊજવીએ અને તેનું અનન્ય ફળ પ્રાપ્ત કરીને આ જન્મ સફળ બનાવીએ. જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

