Gandhinagar, તા. 1
રાજ્યનાં વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે ડાંગમાં માવઠુ વરસ્યુ હતું જયારે આજે દક્ષિણ ગુજરાતમાં આગાહી કરાઇ છે. આથી ખેડુતો ચિંતિત બન્યા છે.
દરમ્યાન ગઇકાલે રાજકોટ, અમરેલી, અમદાવાદ સહિત સાત શહેરોમાં 40થી 41 ડિગ્રી તાપમાન વચ્ચે કાળઝાળ ગરમીનો પણ અનુભવ થયો હતો.
ગુજરાતમાં કેટલાંક જિલ્લામાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી વચ્ચે સોમવારે ડાંગ જિલ્લામાં વરસાદી છાંટા પડયા હતા. આજે મંગળવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સોમવારે રાજ્યના છેવાડે આવેલ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
સવારથી જ વાદળછાયું વાતાવરણ નોંધાયું હતું. તો ગીરીમથક સાપુતારાના વાતાવરણમાં ઠંડક સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ આહવા તાલુકાના બોરખલ તેમજ વઘઈ તાલુકાના ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
જયારે અમદાવાદમાં 6 દિવસ બાદ સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. હવે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન 41 ડિગ્રીને પાર થતાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી બે દિવસ પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, દીવ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 41.1, વડોદરામાં 40.2, અમરેલીમાં 40.1, ગાંધીનગરમાં 40, ભુજમાં 39.6, ભાવનગરમાં 38.8, સુરતમાં 38.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનમા 2.5 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીના વધારો નોંધાયો હતો.જ્યારે શહેરમાં ભેજનું પ્રમાણમાં પણ 17 ટકાનો વધારો તેમજ પવનની ગતિમાં 1.2 કિમીનો ધટાડો નોંધાયો છે. મહતમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 18.5 ડિગ્રી નોંધાયો છે.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા તેમજ પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની ઝડપ નોંધાઇ છે.