Bhavnagar તા.10
ભાવનગર શહેરના કાળુભા રોડ વિસ્તારમાં આવેલા એક બંગલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. મામાના કહેવાથી ભાણિયાએ 28 હજારના ભાડાના બંગલામાં દારૂનો અડ્ડો જમાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ દરોડામાં કુલ રૂ. 11.01 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. મયુરધ્વજસિંહ સર્વૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સચોટ બાતમી મળી હતી કે, હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા (રહે. ઘોઘા જકાતનાકા) ના માણસો કાળુભા રોડ પર આવેલા નાનભા વાડી વિસ્તારના એક બંગલામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેની હેરાફેરી કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દરોડો પાડતા ત્યાં હાજર બે શખ્સો સુનિલ રામજીભાઈ મકવાણા (રહે. અકવાડા) અને પ્રણવ મુકેશભાઈ ડોડિયા (રહે. કાળિયાબીડ)ને દબોચી લીધા હતા.
પોલીસે બંગલાની તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3744 બોટલો તેમજ 120 બિયરના ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં મેજિક મોમેન્ટ રીમીક્ષ વોડકા, ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કી અને સ્પેશિયલ રેર વ્હીસ્કી જેવી બ્રાન્ડની અંદાજે 11 લાખની કિંમતની બોટલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે બે સ્કૂટર અને પાંચ મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે.
પકડાયેલા આરોપી સુનિલ મકવાણાની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુનિલે કબૂલાત કરી હતી કે, તેના મામા હરેશ ઉર્ફે ભયલુના કહેવાથી તેણે આ બંગલો માસિક રૂ. 28,000ના ભાડા પેટે રાખ્યો હતો. દારૂની ડિલિવરી માટે તેણે તેના મિત્ર પ્રણવને દર મહિને 25 હજારના પગાર પર રાખ્યો હતો. આ દારૂનો જથ્થો ભયલુનો હતો અને મામા જે રીતે સૂચના આપે તે મુજબ તેઓ દારૂ સપ્લાય કરતા હતા.

