New Delhi તા, 8
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઇસ્ટ ઝોન તરફથી રમતા ઇશાન કિશને 334 બોલમાં 270 રનની યાદગાર ઇનિંગ રમી હતી, જેના દમ પર ટીમે પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.
બીજી તરફ, ઇસ્ટ ઝોન માટે ઓપનિંગ કરવા આવેલા 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 37 બોલમાં ઝડપી 44 રન બનાવ્યા હતા. વૈભવની આક્રમક બેટિંગ શૈલી તેની ઓળખ બની ગઈ છે, પરંતુ ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આગળ જતાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તેણે ક્રિઝ પર ટકીને મોટી ઇનિંગ્સ રમતાં શીખવું પડશે.
ભારતનાં પૂર્વ ખેલાડી વિવેક રાજદાને કોમેન્ટ્રી દરમિયાન વૈભવને ખાસ સલાહ આપતાં કહ્યું હતું કે, “સૂર્યવંશી સાહેબ, હવે તમારે ઇશાન કિશન જેવા ખેલાડીઓ પાસેથી શીખવું પડશે. એકવાર ક્રિઝ પર સેટ થઈ ગયા પછી લાંબી ઇનિંગ્સ કેવી રીતે રમવી તે જાણવું જરૂરી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે આટલી ગરમીમાં લાંબો સમય ક્રિઝ પર ટકી રહેવું એ માત્ર ટેકનિક કે સ્વભાવની વાત નથી, પરંતુ મેચ ફિટનેસ પણ દર્શાવે છે અને વૈભવે આમાંથી પાઠ લેવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે વૈભવે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને આ સિઝનમાં તેણે 46ની એવરેજથી કુલ 184 રન બનાવ્યા છે. બીજી તરફ, આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ઇશાન કિશને 4 ઇનિંગ્સમાં 109ની સરેરાશથી 329 રન ફટકાર્યા છે.
પૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે, જો વૈભવ પોતાની આક્રમક રમતની સાથે ઇશાનની જેમ મોટી ઇનિંગ્સ રમવાની કળા શીખી લેશે, તો તેના માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રવેશવાનો માર્ગ વધુ સરળ બની જશે.

