Rajkot,તા.16
બામણબોર નવાગામ ખાતે કુવા સુધીના હલણના રસ્તા બાબતે અંદરોઅંદર પરિવાર વચ્ચે ચાલતા વિવાદમાં એક ભાઈ અને તેના બે પુત્રો ઉપર લાકડીથી ગંભીર હુમલાના સાડા ચાર વર્ષ પહેલાંના કેસમાં અદાલતે સેઢા પાડોશી જૂથના ચાર શખ્સોને પાંચ વર્ષની જેલસજા અને જુદા જુદા દંડનો હુકમો કર્યો છે.આ કેસની હકીકત મુજબ, નવાગામ બામણબોર ગારીડા રોડ ઉપર રહેતા અને ખેતીકામ કરતા ભવાનભાઈ તેજાભાઈ બાવળીયાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમની સહિયારી વાડીએ કુવા સુધી જવા માટેના રસ્તા બાબતે તેમના ભાઈઓ, પિતા વગેરે સાથે ડખો ચાલતો હોય આ ડખાનો ખાર રાખીને તારીખ ૨૯/ ૦૯/ ૨૦૨૦ના રોજ તેઓ નવાગામ બામણબોરથી ગારીડા તરફ તેમના ઘર બાજુ આવતા હતા, ત્યારે રસ્તામાં પીરની દરગાહ પાસે પહોંચતા પિતા તેજા ચોથાભાઈ બાવાળીયા, વલ્લભ તેજાભાઈ બાવાળીયા, મહેશતેજાભાઈ બાવળીયા (રહે. બધા બામાણબોર નવાગામ) તથા મહેશભાઈના સસરા દાનાભાઈ છગનભાઈ મેટાળીયા (રહે. પાંચવડા, તા. ચોટીલા) “તને વાડીના કુવામાં જવા માટેનો રસ્તો નહીં મળે ત્યારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે” તેમ કહી આ ચારેય જણાએ તેમની પાસે રહેલ લાકડી વતી માર મારવા લાગેલા જેથી ભવાન તેજાભાઈ બાવળીયાને જમણા પગમાં તથા શરીરે ઈજાઓ થયેલી અને દેકારો કરતાં ચારેય આરોપીઓ ત્યાંથી જતા રહેલા અને ૧૦૮ને બોલાવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધેલી અને જે અંગેની વિગતવાર ફરિયાદ ચાર આરોપીઓ સામે આપવામાં આવી હતી. જેથી આરોપીઓની ધરપકડ, ધોરણસરની કાર્યવાહી અને પોલીસતપાસમાં તેઓ વિરૂધ્ધ પુરતો પુરાવો હોય કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતાજરૂરી કાયદાકીય પ્રકિયાના ભાગ રૂપે હાલના કામે જરૂરી મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને આ કામે બંને પક્ષકારોની દલીલો અને રજુઆતો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી, તેમજ મુળ ફરીયાદી ભવાનભાઈ તેજાભાઈ બાવળીયા વતી રોકાયેલ એડવોકેટ તથા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરી શકેલ છે, તેવું માનીને કોર્ટે ચારેય આરોપીઓને પાંચ વર્ષની કેદ તથા રૂ.૧૦,૦૦૦ દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફે એપીપી એ.એમ. પરમાર અને તેમની મદદમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ રણજીતભાઈ એમ.પટગીર, સાહિસ્તાબેન એસ.ખોખર, દયા કે. છાયાણી, નીમેશ જાદવ તેમજ આસિસ્ટન્ટ શ્રધ્ધા આર. ખખ્ખર રોકાયા હતા.