ગ્રાહકોને સાવચેત રહેવાની અપીલ, પેકેટ પરના દાવા અને FSSAI લોગો તપાસવા સલાહ
નવી દિલ્હી,તા.૪
પેકેજ્ડ ફૂડ અને અન્ય ઉત્પાદનો પર ‘૧૦૦% શુદ્ધ’, ‘૧૦૦% કુદરતી’ જેવા દાવા કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. નિયમનકારી સંસ્થાએ આવા ભ્રામક દાવાઓને લઈને અનેક કંપનીઓને ચેતવણી આપી છે અને નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે.
FSSAIનું કહેવું છે કે કોઈપણ મલ્ટી-ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એકથી વધુ ઘટકો ધરાવતા ખાદ્ય પદાર્થને ‘૧૦૦% શુદ્ધ’ તરીકે રજૂ કરવો ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. પેકેજ્ડ ફૂડ અંગે કરવામાં આવતા આવા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ સામે હવે કડક નજર રાખવામાં આવી રહી છે.
FSSAIએ ડાબર ઇન્ડિયાને કેટલાક ઉત્પાદનો પર કરાયેલા ‘૧૦૦% શુદ્ધતા’ના દાવા દૂર કરવા અને ભ્રામક જાહેરાતો બંધ કરવા સૂચના આપી છે. ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક જેવા ઉત્પાદનોમાં અનેક ઘટકો હોવા છતાં તેને ૧૦૦% શુદ્ધ તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કેટલાક ઓર્ગેનિક ઉત્પાદનો પર યોગ્ય મંજૂરી વિના ઓર્ગેનિક લોગો અથવા દાવા ઉપયોગમાં લેવાયા હોવા અંગે પણ નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી છે.
નિયમનકાર દ્વારા ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર પેકેટ પર લખાયેલા દાવા પર આધાર ન રાખે, પરંતુ ઉત્પાદનની ઘટકોની યાદી, પ્રમાણપત્રો અને FSSAI ની મંજૂરીની માહિતી તપાસે.
ખાદ્ય સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોને સાચી માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. હ્લજીજીછૈં હવે આવા ભ્રામક દાવાઓ સામે વધુ સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે જેથી બજારમાં પારદર્શિતા જળવાઈ રહે.

