New Delhiતા.8
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે દુનિયાભરમાં એવિએશન ટર્બાઈન ફયુલ એટલે કે વિમાન ઈંધણના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની અસર આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પડી રહી છે.
દુનિયાભરની વિમાન કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં કપાત કરવામાં આવી રહી છે. એક જૂન બાદ ભારત સહિત દુનિયાભરમાં આ કપાતની મોટી અસર જોવા મળશે. ભારતમાં એર ઈન્ડીયા, ઈન્ડીગો અને અન્ય વિમાની કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાનોની સંખ્યાને સીમીત કરવામાં આવી રહી છે.
એર ઈન્ડિયા દ્વારા લાંબા અંતરની ઉડાનોની સંખ્યામાં લગભગ 10 ટકાની કપાત કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયા યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાની ઉડાનોમાં કપાત કરી રહી છે.
ઈન્ડીગો અને બીજી વિમાન કંપનીઓ પણ ઉડાનોની સંખ્યામાં કપાતને લઈને તમામ વિકલ્પ શોધી રહી છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય માટે બે વાર એટીએફની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ ફેબ્રુઆરીની કિમતમાં લગભગ 120 ટકા સુધીનો વધારો થઈ ચૂકયો છે, જયારે આંતરરાષ્ટ્રીય સ્તર પર સરેરાશ 80-85 ટકા સુધી એટીએફની કિંમતમાં વધારો થયો છે.
જૂનથી જુલાઈ દરમિયાન 93 લાખ સીટો ઓછી થશેઃ એવીએશન એનાલિટિકસ ફર્મ સિરિયમ દ્વારા જાહેર આંકડા બતાવે છે કે મધ્ય પુર્વ સંઘર્ષ અને વિમાન ઈંધણની વધતી કિંમતના કારણે વૈશ્વિક સ્તર પર વિમાન કંપનીઓએ એકલા મે માં 13 હજારથી વધુ ઉડાનો રદ કરી છે.
આથી લગભગ 20 લાખ સીટોની કપાત કરાઈ છે. પરંતુ સમસ્યા અહીંથી ખતમ નથી થતી, વિમાન કંપનીઓ એક જૂનથી ઉડાનોની સંખ્યામાં વધુ કપાત કરવા જઈ રહી છે. કુલ મળીને 30 સપ્ટેમ્બર સુધી લગભગ 93 લાખ સીટોમાં કપાત થવા જઈ રહી છે. કતર એરવેઝ જૂનથી ઓકટોબર સુધી 20 લાખ, અમીરાત લગભગ 7 લાખ સીટોમાં કપાત કરી રહી છે.

