Mumbai, તા. 20
સોના-ચાંદીમાં વિશ્વસ્તરે સર્જાયેલું તેજીનું તાંડવ સતત ચાલુ જ રહ્યું છે અને રોજેરોજ ભાવ નવી નવી સર્વોચ્ચ સપાટીને આંબી રહ્યા છે. આજે પણ બંને ધાતુમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. પરંતુ ચાંદીમાં 6000 તથા સોનામાં 1100 રૂપિયા વધી ગયા હતા. સોનાનો ભાવ દોઢ લાખને પાર થઇ ગયો હતો.
રાજકોટમાં આજે હાજર સોનુ દોઢ લાખનું લેવલ ક્રોસ કરીને 1,પ0,700 થયું હતું. કોમોડીટી એકસચેંજમાં ભાવ 1100 રૂપિયા વધીને 1,46,7પ0 થયો હતો. વિશ્વ બજારમાં 4700 ડોલરના માર્ગે ધસમસતુ હોય તેમ 4690 ડોલર થઇને 4680 ડોલર સાંપડયું હતું.
રાજકોટમાં હાજર ચાંદી 3,17,ર00 થઇ હતી. કોમોડીટી એકસચેંજમાં ભાવ 3,19,900 થઇને 3,16,490 સાંપડયો હતો. વિશ્ર્વબજારમાં ભાવ 94.71 ડોલર થઇને 93.પ7 ડોલર સાંપડયો હતો.
સોના-ચાંદીની એકધારી તેજીથી માર્કેટમાં સોંપો પડી ગયો છે અને કારોબારમાં મોટો ઘટાડો છે. રાજકોટના જ એક જવેલરીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન મુખ્યત્વે ચાંદીમાં જ અસામાન્ય તેજી થઇ હતી અને અનેક વેપારીઓ તેજીમાં ફસાઇ જતા કારોબાર લગભગ ઠપ્પ જેવો થઇ ગયો હતો. હવે સોનામાં તેજીની ચાબુક લાગી હોય તેમ દોઢ લાખની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવાઇ ગઇ છે અને વધુ જોરથી ઉછાળો આવે તેવા એંધાણ વર્તાવા લાગ્યા છે. આ સંજોગોમાં આવતા દિવસોમાં સોનાના કારોબારને પણ અસર થવાનું માનવામાં આવી રહ્યું છે. કમુહૂર્તા પૂર્ણ થવા સાથે માર્કેટમાં થોડો સળવળાટ આવવાની આશા રાખવામાં આવી રહી હતી પરંતુ પ્રવર્તમાન તેજીના વાવાઝોડાને ધ્યાને લેતા વેપાર વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા છે.
સોના-ચાંદીની તેજી પાછળ વૈશ્વિક કારણોને જ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ગમે તે ભોગે ગ્રીન લેન્ડને કબ્જે લેવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાથી અમેરિકા તથા યુરોપીયન યુનિયન વચ્ચે ટેરીફ વોર જામવાના એંધાણ છે. આ સિવાય ઇરાન પર પણ આક્રમણ થવાની ભીતિ વ્યકત થઇ રહી છે. બીજી તરફ ચીન દ્વારા ડોલરને બદલે સોનામાં રોકાણ વધારાતા તેની પણ જોરદાર અસર શરૂ થઇ છે. આ ત્રણ મુખ્ય કારણોએ માર્કેટ સતત નવી ઉંચાઇને આંબતુ રહે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે.
શેરબજાર સતત મંદીમાં : સેન્સેકસ 83,000ની નીચે ઉતરી ગયો
સોના-ચાંદીમાં અભુતપૂર્વ તેજીની સામે શેરબજારમાં સતત મંદીનો માહોલ હોય તેમ આજે વધુ ગાબડા પડયા હતા. વિશ્ર્વસ્તરે વધી રહેલા ભૌગોલિક ટેન્શન અને ટેરીફ તથા યુધ્ધના હાકલા પડકારાના કારણે શેરબજારમાં ગભરાટભરી વેચવાલીથી આજે વધુ ઘટાડો નોંધાયો હતો. વિદેશી નાણા સંસ્થાઓ રોજેરોજ કરોડો રૂપિયાનો માલ ફુંકી રહી હોવાથી તેમજ કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાના ઘટાડાથી ફફડાટ હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ 36ર પોઇન્ટના ઘટાડાથી 8ર884 હતો જે ઉંચામાં 8354 તથા નીચામાં 82872 હતો. નિફટી 1ર9 પોઇન્ટના ઘટાડાથી રપ4પ6 હતો જે ઉંચામાં રપપ8પ તથા નીચામાં રપ4પ3 થયો હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો પાંચ પૈસાના ઘટાડાથી 90.96 હતો.

