Gandhinagar,તા.૨૪
ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. વિનિયોગ વિધેયક પરની ચર્ચા દરમિયાન મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસતા માલધારી સમાજની શ્રેણીમાં ફેરફાર કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
નાણાં મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું કે, ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારોમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિના લોકોને અત્યાર સુધી અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળતો હતો. જોકે, લાંબા સમયથી ચાલી રહેલા વિવાદો અને વહીવટી પ્રક્રિયાઓને ધ્યાને રાખીને હવે આ જ્ઞાતિઓને એસટી યાદીમાંથી દૂર કરવાની હિલચાલ તેજ કરવામાં આવી છે.
સરકાર આ માલધારી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગની યાદીમાં સમાવવા માટે સક્રિય વિચારણા કરી રહી છે. મંત્રીએ ઉમેર્યું કે માલધારી સમાજને અન્ય શ્રેણીમાં લઈ જવાથી તેમના સામાજિક અને શૈક્ષણિક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવી શકે છે. આ નિર્ણય પાછળનો હેતુ વર્ષોથી ચાલતા ’ખોટા પ્રમાણપત્રો’ ના વિવાદને કાયમી ધોરણે ઉકેલવાનો છે.
મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે જ્ઞાતિ ફેરબદલ અથવા કોઈપણ જ્ઞાતિને એક શ્રેણીમાંથી બીજી શ્રેણીમાં ખસેડવાની અંતિમ સત્તા કેન્દ્ર સરકાર હસ્તક હોય છે. રાજ્ય સરકાર આ અંગેનો જરૂરી ડેટા અને ભલામણ કેન્દ્રને મોકલશે. બંધારણીય જોગવાઈઓ મુજબ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ આ ફેરફાર અમલી બની શકે છે.
આ જાહેરાતથી માલધારી સમાજમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિનિયોગ વિધેયક પરની આ ચર્ચા રાજ્યના રાજકારણમાં મોટા વળાંક સમાન સાબિત થઈ શકે છે. સરકારના આ પગલાથી લાંબા સમયથી ચાલી રહેલા આદિવાસી અને બિન-આદિવાસી વચ્ચેના પ્રમાણપત્ર વિવાદનો અંત આવવાની શક્યતા છે.

