જૂનાગઢ જિલ્લામાં માત્ર ૧૯.૧૪% પાણી : જૂનાગઢના ૧૪ ડેમમાં પાણીનો જથ્થો તળિયે પહોંચ્યો છે
Gandhinagar, તા.૨૮
ચોમાસાની વિદાયના આડે હવે અંદાજે ૨૦થી ૨૫ દિવસ બાકી રહ્યાં છે, ત્યારે વરસાદની ઘટે ખેડૂતોની ચિંતા વધારી છે. ગુજરાતમાં ચોમાસાની વિદાયને હવે ગણતરીના ૨૦થી ૨૫ દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના ૧૭ જિલ્લાઓમાં દુકાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અલ નીનોની વિપરીત અસરના કારણે સિઝનના ૬૫ દિવસ વિતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં ૩ ટકાથી લઈને ૮૭ ટકા સુધી વરસાદની ભારે ઘટ નોંધાઈ છે.
ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હાલત અત્યંત ખરાબ છે. જો સપ્ટેમ્બર મહિનામાં યોગ્ય વરસાદ નહીં થાય તો કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા ખરીફ પાકો બળીને ખાખ થઈ જવાની ભીતિ છે, તેમજ જમીનમાં ભેજના અભાવે આગામી રવિ સિઝનના વાવેતર પર પણ માછી અસર પડી શકે છે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જુલાઈ મહિનામાં ૪૦ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હોવા છતાં સોરઠના જળાશયોમાં પાણીની ભારે અછત વર્તાઈ રહી છે.
જૂનાગઢ જિલ્લાના ૧૪ મુખ્ય ડેમોમાં હાલ માત્ર ૧૯.૧૪% પાણીનો જથ્થો જ બાકી રહ્યો છે. આખા શ્રાવણ મહિનો કોરો જતાં ખેડૂતો માટે સિંચાઈ અને સ્થાનિકો માટે પીવાના પાણીનું ઘેરૂ સંકટ ઊભું થયું છે.
ખેતરોમાં ઊભેલો મોંઘોદાટ પાક પાણી વગર સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. બીજી તરફ, સમગ્ર સૌરાષ્ટ્રમાં સરખામણી કરીએ તો માત્ર ભાવનગર જિલ્લાના જળાશયોમાં સૌથી વધુ ૯૭.૨૯% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે, ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં ૯ ટકા વધુ વરસાદ થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે જ્યાં સામાન્ય કરતાં આશરે ૩૦ ટકા વરસાદની તંગી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સાથે ભેજવાળું વાતાવરણ જળવાઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લેતું હોય છે. આગામી દિવસોમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં ૯ ટકા વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે અને અહીં સામાન્ય કરતાં આશરે ૩૦ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

