New Delhi તા, 19
સીમા પારથી ભારત વિરુદ્ધ રચવામાં આવતાં આતંકી ષડયંત્રો અને પાકિસ્તાનની કરતૂતોની પોલ વધુ એક વખત તેની જ ધરતી પર ખુલ્લી પડી ગઈ છે. તાજેતરમાં હાર્ટ એટેક આવ્યાં બાદ ફરીથી જાહેર મંચ પર પાછા ફરેલા પાકિસ્તાની ધર્મગુરુ નસીર મદનીએ સરેઆમ એ વાતનો સ્વીકાર કર્યો છે કે લશ્કર-એ-તૈયબાના આકા અને આતંકી હાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 આતંકવાદીઓ મોકલ્યા હતાં.
14 ઓગસ્ટે બહાવલનગરમાં એક પ્રતિબંધિત આતંકી સંગઠનનાં કાર્યક્રમમાં આપવામાં આવેલાં આ નિવેદને સાબિત કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષોની હત્યા અને સરહદ પારથી ચાલતાં આતંકવાદ પાછળ કઈ કાળી શક્તિઓ સક્રિય હતી.
હાફિઝ સઇદ ભારતમાં થયેલાં અનેક મોટા અને ઘાતક હુમલાઓનો મુખ્ય ષડયંત્રકારી રહ્યો છે. તે એ જ લશ્કર-એ-તૈયબાનો આકા છે જેને અલ-કાયદા સાથેના સંબંધોના કારણે 2005માં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો અને 2008માં અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. સઇદ 2008ના 26/11ના મુંબઈ આતંકી હુમલાની તપાસમાં મુખ્ય આરોપી છે.
આ ઉપરાંત, એપ્રિલ 2025માં થયેલાં દર્દનાક પહેલગામ આતંકી હુમલાની તપાસમાં પણ સઇદનું નામ સામે આવ્યું હતું, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૌલાના નસીર મદનીના આ નિવેદને ભારત સામે ચાલું પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓનું સત્ય આખી દુનિયા સામે ખુલ્લું પાડી દીધું છે.

