New Delhi તા.29
દેશમાં આકરા ઉનાળાનો લાંબો પીરીયડ હવે પુરો થવાની તૈયારીમાં હોય તેવા સંકેત નથી અને જૂન માસમાં પણ દેશના અનેક ભાગોમાં હીટવેવ ચાલુ રહી શકે છે તો બીજી તરફ નૈઋત્યના ચોમાસા અંગે પણ વધુ ચિંતાજનક સમાચાર આવ્યા છે અને ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે ચોમાસુ સામાન્યથી ઓછુ અને 90% રહી શકે છે.
અગાઉ હવામાન ખાતાએ ચોમાસુ 92% રહેવાની આગાહી કરી હતી પરંતુ આજે બહાર પાડવામાં આવેલી સતાવાર યાદી મુજબ ચોમાસાની સ્થિતિ નબળી પડી રહી છે અને તેના કારણે નૈઋત્યનું ચોમાસુ લાંબાગાળાની એવરેજ મુજબ 90% રહેશે.
જૂન માસમાં ચોમાસુ 92% રહી શકે છે. અલનીનોનો પ્રભાવ ભારતીય ચોમાસા પર નિશ્ચિત બન્યો છે. જૂન માસમાં અલનીનો થોડી ઓછી અસર કરશે જયારે જુલાઈ અને ઓગષ્ટ માસમાં અલનીનોનો પ્રભાવ મધ્યમ રહેશે અને સપ્ટેમ્બરમાં અલનીનોનો પ્રભાવ વધીને મજબૂત બનવાની ધારણા છે.
હવામાનખાતાએ જણાવ્યું કે દેશમાં ખરીફ પાક માટે મહત્વના મોનસુન કોર ઝોન તરીકે ઓળખાતા ક્ષેત્રમાં મધ્ય અને ઉતર પશ્ચિમ ભારતમાં ચોમાસુ સામાન્યથી નીચું રહેશે અને તે 90% સુધી ઓછુ રહેવાની સંભાવના છે.
આમ જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલનારુ નૈઋત્યનું ચોમાસુ વધુ ચિંતા લાવી રહ્યો હોવાનો સંકેત મળી રહ્યો છે અને તેના કારણે આગામી દિવસોમાં હીટવેવ પણ યથાવત રહે તેવા સંકેત છે. એટલું જ નહી યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા રાજયોમાં હીટવેવ સામાન્યથી વધારે હોઈ શકે છે.
હવામાન ખાતાએ આ ઉપરાંત હરિયાણા, પંજાબ, ઓડિસા, છતીસગઢ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં પણ હીટવેવનું એલાન આપ્યું છે. જૂન માસમાં પણ ગરમીમાં રાહત મળે તેવી શકયતા નહીવત છે.
હવામાન વિભાગે હવે જુલાઈ માસ અંગેની આગાહી આગામી મહિને કરવાની જાહેરાત કરી છે. આમ હજુ હીટવેવમાં રાહત મળશે નહી તે નિશ્ચિત થઈ ગયું છે.

