New Delhi તા.24
દેશમાં આ વર્ષે હીટવેવનો પ્રારંભ થઈ ગયો છે અને તેનાથી ફકત રોજબરોજના જીવનને નહી પણ એક મોટી આરોગ્ય અને આર્થિક સમસ્યા પણ બની શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશમાં મોટાભાગના વિસ્તારોમાં લુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ચેતવણી પણ આપવામાં આવી છે કે આ ગરમીનો પ્રકોપ આર્થિક વિકાસને ધીમો કરશે, ઉત્પાદકતા ઘટાડશે અને મેડીકલ ખર્ચને પણ વધારી દેશે. આમ ગરમી એ ફકત હવામાન સમસ્યા નહી પરંતુ અનેકવિધ રીતે અસર કરશે.
રિપોર્ટ મુજબ ભારે ગરમીને કારણે અત્યાર સુધી લગભગ 159 બિલિયનની ઉત્પાદકતાને નુકશાન થયું છે જે ભારતની કુલ આવકના 5.4 ટકા છે અને દર વર્ષે 160 બિલિયનથી વધુ કામકાજના કલાકો બરબાદ થઈ રહ્યા છે. કારણ કે કામદારો પોતાની પુરી ક્ષમતાથી કામ કરી શકતા નથી. આ રિપોર્ટમાં વધુમાં જણાવાયુ કે લુથી અર્થવ્યવસ્થાને આપણે ધારીએ છીએ તેના કરતા પણ વધુ નુકશાન થઈ શકે છે અને દેશની જીડીપીને 2.4 થી 4.5 ટકા સુધી નુકશાન થવાનો અંદાજ છે.
આ અંગે જો કોઈ કાયમી ઉપાય ન કરવામાં આવે તો ભારત પોતાની જીડીપીના 8.7 ટકા સુધી નુકશાન કરી શકે છે. ગરમીને કારણે કૃષિ, બાંધકામ, શહેરી કામદારોને સૌથી વધુ અસર થઈ રહી છે. ખાસ કરીને ખુલ્લામાં કામ કરતા કામદારોની કમાણી ઘટી રહી છે.કારણ કે ભારે ગરમીને કારણે તેઓને પોતાનું કામકાજ રોકવુ પડયું છે. 2021-22ના વર્ષમાં ભારતે લગભગ 160 થી 192 અબજ શ્રમ કલાકો ગુમાવ્યા હતા. ગરમીને કારણે બિમારીઓ પણ વધે છે.
ડીહાઈડ્રેશનની સમસ્યા સર્જાય છે અને ગરમીને કારણે ભારે થાકથી હીટ સ્ટ્રોકની સમસ્યા પણ લોકોને પરેશાન કરે છે જેના કારણે લોકોનો આરોગ્ય ખર્ચ વધી જાય છે. એપોલો હોસ્પિટલના ઈમરજન્સી સર્વિસના ક્ષેત્રીય નિર્દેશક ડો. નિતીન જગાસીયા ના જણાવ્યા મુજબ ગંભીર હીટસ્ટ્રોકના કારણે દર્દીને 1 લાખથી 2 લાખ સુધીનો ખર્ચ આવી શકે છે અને એક કામકાજી પરિવારની પુરી બચત હોમાઈ શકે છે અથવા તો તે દેવામાં ડુબી જાય છે.
લોકોએ સ્વાસ્થ્ય અંગેના ખર્ચામાં મિલકત પણ વેચવી પડે તેવા દ્રષ્ટાંત છે. 40 ટકા શહેરી અને 60 ટકા ગ્રામીણ પરિવાર હીટસ્ટ્રોકના કારણે તબીબી ખર્ચ જે આવે તેને ચુકવવા માટે ધિરાણ અથવા તો ઉછીના નાણા મેળવે છે અને પુરા વર્ષ સુધી તે પરત કરવામાં તેની આર્થિક હાલત બગાડે છે. 2024-25ના વર્ષમાં ગરમીને કારણે 247 અબજ શ્રમ કલાકોનું નુકશાન થયું છે.
હવામાન ખાતાના નવા બુલેટીન મુજબ ભારે ગરમીથી કૃષિ અને ખાદ્ય સુરક્ષા પણ ખતરામાં પડી શકે છે અને કૃષિ ઉત્પાદન ઘટે છે. ખેડુતોની આવક પર સીધી અસર થાય છે જે ગ્રામીણ અર્થતંત્રને પણ કસડાવે છે.

