Washington,તા.24
ક્યારેક ભારતીયો માટે ’અમેરિકન ડ્રીમ’ સફળતા અને સમૃદ્ધિનું ગંતવ્ય માનવામાં આવતું હતું, પરંતુ હવે આ ધારણા બદલાઈ છે. ’કાર્નેગી એન્ડોમેન્ટ’ અને ’યૂગાવ’ ના સર્વેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે અમેરિકામાં રહી રહેલા લગભગ 52 લાખ ભારતીય મૂળના લોકોમાંથી 40 ટકા હવે અન્ય કોઈ દેશમાં વસવા અથવા સ્વદેશ પરત ફરવા વિશે વિચારી રહ્યાં છે. એક મોટો હિસ્સો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ખુશ નથી. હવે ભારતીયોનું ફોકસ નોકરી અને પરિવારની સુરક્ષા તથા લાંબાગાળાની સ્થિરતા જેવા વ્યવહારિક મુદ્દાઓ પર છે.
► 41 ટકા લોકોને વ્યક્તિગત સુરક્ષાને લઈને ડર છે.
► 58 ટકા લોકો અમેરિકી રાજનીતિથી નારાજ
► 71 ટકા લોકો ટ્રમ્પની કામગીરીથી ખુશ નથી
► 54 ટકા લોકો માટે રહેવાનાં ખર્ચથી ચિંતા વધી.
► 38 ટકા માટે મોંઘવારી અને રોજગાર મોટો મુદ્દો છે.
ભેદભાવ અને નસ્લવાદ વધ્યો :-
’અમેરિકા ફોર અમેરિક્ધસ’ જેવી નિવેદનબાજીઓએ ભારતીય અમેરિકનોને એ અહેસાસ કરાવ્યો છે કે તેઓ ત્યાં સંપૂર્ણ રીતે સ્વીકાર્ય નથી. કાર્યસ્થળો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર રોજિંદા ભેદભાવ અને નસ્લવાદથી ચિંતા વધી છે.
ટ્રમ્પનાં બીજા કાર્યકાળમાં ભારે નારાજગી :-
અમેરિકા છોડવાનો વિચાર કરનારાઓમાંથી 58 ટકા લોકોએ ત્યાંના રાજકીય વાતાવરણને મુખ્ય કારણ ગણાવ્યું છે. લગભગ 71 ટકા લોકોએ ટ્રમ્પનાં બીજા કાર્યકાળમાં અર્થતંત્ર, ઇમિગ્રેશન અને આંતરરાષ્ટ્રીય સંબંધોને સંભાળવાની રીત પર અસંતોષ વ્યક્ત કર્યો. માત્ર 20 ટકા લોકો જ માને છે કે ટ્રમ્પે ભારત સાથેનાં સંબંધોને યોગ્ય રીતે સંભાળ્યા છે, જ્યારે 55 ટકા તેને નિરાશાજનક માને છે. હવે 29 ટકા ભારતીયો પોતાની જાતને કોઈ પક્ષ સાથે જોડતા નથી, જે 2020 ની સરખામણીમાં 7 ટકા વધુ છે.
વીઝા નીતિ અને મોંઘવારીનો માર :-
દાયકાઓ સુધી અમેરિકામાં કામ કરવા છતાં, ’ગ્રીન કાર્ડ’ ના લાંબા બેકલોગ અને વીઝા નિયમોમાં ફેરફારે કુશળ વ્યાવસાયિકોને નિરાશ કર્યા છે. ઘણા વ્યાવસાયિકો વર્ષોથી ’અસ્થાયી વર્ક વીઝા’ પર છે. ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલ જેવા શહેરોમાં વન બેડરૂમ ફ્લેટનું ભાડું પણ 5,000 ડોલર (4 લાખ રૂપિયાથી વધુ) પ્રતિ માસ સુધી પહોંચી ગયું છે.

