Bhuj ,તા.૨
Kutch જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દાણી બાયપાસ હાઈવે વિસ્તારમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે બે રીઢા આરોપીઓની અટકાયત કરી લીધી છે.
પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. સર્ચ ઓપરેશનમાં ૯ એમએમની ૨ અત્યાધુનિક પિસ્તોલ, ૨ એક્સ્ટ્રા મેગેઝીન અને ૧૪ જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા ૩ મોબાઈલ ફોન અને એક રહસ્યમય ખાખી બોક્સ પણ પોલીસે પોતાના કબજામાં લીધું છે.
પકડાયેલા આરોપીઓ સામે પોલીસે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરાઈ છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ૨ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ તેજ કરી દીધી છે.

