Rajkot, તા.૧૬
Rajkot શહેરમાં પારિવારિક વિખવાદે લોહિયાળ રૂપ ધારણ કરતાં સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. પ્રેમલગ્ન કરનાર પૌત્રીને પરત પરિવાર પાસે લાવવાની બાબતને લઈને મનદુઃખ રાખનાર જમાઈએ પોતાના નાના સસરા અને નાની સાસુ પર જીવલેણ હુમલો કર્યો હતો.
શહેરના વિમલનગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ શાહ પર આરોપી વિવેક ગોસ્વામીએ છરીના આડેધડ ઘા ઝીંકી તેમની હત્યા નિપજાવી હતી. જ્યારે ઇલાબેન શાહને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પ્રાથમિક તપાસ મુજબ પત્ની દિયા પોતાના નાનાના ઘરે હોવાની શંકાએ વિવેક ત્યાં પહોંચ્યો હતો. પરંતુ દિયા ત્યાં ન મળતા તેણે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. વાત વધુ ઉગ્ર બનતાં આરોપીએ છરી કાઢી હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસના આધારે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.
Rajkot શહેરના એસીપી રાજેશ બારીઆએ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧૪ જૂન ૨૦૨૬ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ગંભીર ઘટનાને લઈને ઇલાબેન પ્રવીણભાઈ શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ અનુસાર તેમની પૌત્રી દિયાનો અંદાજે બે વર્ષ પહેલાં રાજકોટમાં મોબાઇલની દુકાન ચલાવતા સોમનાથના રહેવાસી વિવેક ગોસ્વામી સાથે પરિચય થયો હતો. પરિચય બાદ બંને વચ્ચે સતત સંપર્ક વધતા પ્રેમસંબંધ બંધાયો હતો અને બાદમાં બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. દિયાના માતા તેમજ નાના-નાનીને આ લગ્ન મંજૂર ન હોવાથી પરિવાર અને દંપતી વચ્ચે અવારનવાર મતભેદો સર્જાતા હતા. લગ્ન બાદ વિવેક દિયાને પોતાની સાથે દ્વારકા લઈ ગયો હતો. જ્યાં બંને સાથે રહેતા હતા. જોકે ત્યારબાદ દાંપત્ય જીવનમાં પણ તણાવ અને વિવાદો ઊભા થતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
વધુમાં એસીપી બારીઆએ માહિતી આપતાં જણાવ્યું હતું કે દિયાની માતા અને તેના નાના વિવેકના ઘરે ગયા હતા અને દિયાને થોડા દિવસ માટે પોતાના ઘરે મોકલવાની વિનંતી કરી તેને સાથે લઈ આવ્યા હતા. ત્યારબાદ દિયાએ વિવેક સાથેનો તમામ સંપર્ક તોડી નાખ્યો હતો. તેણે ફોન પર વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું તેમજ વિવેકનો નંબર પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે વિવેકને એવી આશંકા થઈ હતી કે દિયાના પરિવારજનો બંનેને એકબીજાથી અલગ પાડવા માંગે છે અને તેમના લગ્નજીવનમાં અડચણો ઉભી કરી રહ્યા છે.
આ બાબતને લઈને વિવેકના મનમાં ભારે રોષ અને નારાજગી પેદા થઈ હતી. જેના પરિણામે ૧૪ જૂનની મોડી રાત્રે આશરે ૧ઃ૩૦ વાગ્યાના સમયે તે રાજકોટના વિમલનગર શેરી નં-૧ ખાતે આવેલા દિયાના નાનાના ઘરે પહોંચ્યો હતો. દિયા મોટાભાગનો સમય તેના નાનાના ઘરે જ રહેતી હોવાથી વિવેક સીધો ત્યાં ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દિયાને મળવા અને તેની સાથે વાતચીત કરવા માટે જ વિવેક ત્યાં પહોંચ્યો હતો. જ્યાં બાદમાં સમગ્ર ઘટના બની હતી.
વિવેક ગોસ્વામી પોતાની પત્ની દિયાની શોધમાં નાનાજી પ્રવીણભાઈના ઘરે પહોંચ્યો હતો અને દિયા અંગે પૂછપરછ કરી હતી. ત્યારે પ્રવીણભાઈએ દિયા અહીં ન હોવાનું જણાવતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. વાત વધુ વણસતા વિવેકે ઉશ્કેરાઈ પોતાની પાસે રહેલો ધારદાર છરો બહાર કાઢ્યો હતો અને પ્રવીણભાઈ તેમજ ઇલાબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. તેણે બંને પર છરીના આડેધડ ઘા ઝીંકતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હુમલામાં પ્રવીણભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇલાબેન ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિવેક ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર ઘટનાના કારણો તેમજ અન્ય પાસાઓ અંગે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

