Ahmedabad, તા. ર0
કેન્દ્ર સરકારના સામાન્ય બજેટને 10 દિવસ બાકી છે અને નાણાંકીય વર્ષની સમાપ્તિને દોઢ મહિના જેવો સમય રહ્યો છે તેવા સમયે ટેકસ વસુલાતનો ટાર્ગેટ હાંસલ કરવા આવકવેરા વિભાગ મેદાને પડયું હોય તેમ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતમાં પ્રથમ દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. અમદાવાદમાં ટોચના બે બિલ્ડર જુથોને ઝપટે લઇને આજે સવારથી 3પ જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશન અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા રીયલ એસ્ટેટ ક્ષેત્રના બે ગ્રુપો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કામેશ્ર્વર ગ્રુપના પ્રહલાદ પટેલ તથા દિપેન પટેલના નિવાસસ્થાન, ઓફિસો તથા ક્ધસ્ટ્રકશન સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા .
આ સિવાય દીપ બિલ્ડરના દિનેશ પટેલની ઓફિસ, રહેણાંક સહિતના અન્ય સ્થળો પર તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાંથી અધિકારીઓની ટીમોને તેડાવીને 125 અધિકારીઓને તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળ્યાના સંકેત છે. કરોડોના નાણાંકીય વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો, સાહિત્ય હાથ લાગ્યા છે જેના આધારે કરોડો રૂપિયાની કરચોરીનો ખુલાસો થવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.
સુત્રોએ ઉમેર્યુ કે, બંને બિલ્ડર ગ્રુપો પર તપાસ દરમ્યાન અન્ય કનેકશનો ખુલે તો તપાસ લંબાવવાની સંભાવના છે. દરોડા કાર્યવાહી બે થી ત્રણ દિવસ ચાલુ રહી શકે છે.
ગુજરાતમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં ઇન્કમટેકસના પ્રથમ દરોડા ઓપરેશન પગલે રાજયભરના બિલ્ડરો તથા રીયલ એસ્ટેટ વ્યવસાયિકોમાં ફફડાટ સર્જાયો હતો. આવતા દિવસોમાં વધુ દરોડા પડવાની આશંકા વ્યકત થવા લાગી હતી.
રાજયમાં છેલ્લા દોઢેક વર્ષથી રીયલ એસ્ટેટ ક્ષેત્ર મંદીમાં છે અને ખાસ કરીને જમીનના ભાવો નીચા આવ્યા છે તેવા સમયે ઇન્કમટેકસ દરોડામાં કેવોક દલ્લો મળે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. જોકે અમદાવાદને લાગે વળગે છે ત્યાં સુધી કોમનવેલ્થ ગેમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને પગલે રીયલ એસ્ટેટ માર્કેટ ધબકવાની આશા રાખવામાં આવી રહી છે.

