Glasgow, તા. 30
અંકુશ પંઘાલ, સાક્ષી ચૌધરી, જેસ્મિન લાંબોરિયા, અરૂંધતિ ચૌધરી, સચિન સિવાચ અને નરેન્દર બેરવાલે કોમનવેલ્થ ગેમ્સની બોક્સિંગ ઇવેન્ટમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખતાં પોતપોતાનાં વજન જૂથની સેમિફાઇનલમાં પહોંચીને વધુ છ મેડલ પાકા કરી લીધાં છે.
બુધવારે મળેલી છ જીત સાથે 10 ભારતીય બોક્સર સેમિફાઇનલમાં પહોંચી ગયાં છે. આ સિદ્ધિએ બર્મિંગહામ 2022માં ભારતનાં બોક્સિંગના કુલ મેડલોની સંખ્યાને પણ પાછળ છોડી દીધી છે, જેમાં દેશે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ એમ સાત મેડલ જીત્યાં હતાં.
આ પહેલા લવલીના બોરગોહેન (75 કિલો), પ્રિયા ધંધાસ (60 કિલો), પ્રીતિ પવાર (54 કિલો) અને જાદુમણિ સિંહ (પુરુષ 55 કિલો) બોક્સિંગમાં ભારતનો મેડલ પાકો કરી ચૂક્યાં છે. હવે બોક્સિંગમાં ભારતનાં કુલ 10 મેડલ થઈ ગયાં છે.
ઘણા બોક્સર એકતરફી જીત્યા
છવ્વીસ વર્ષની સાક્ષીએ 51 કિલોગ્રામમાં નોર્ધર્ન આયર્લેન્ડની કૈટલિન ફ્રાયર્સને 5-0થી હરાવી. જ્યારે અરૂંધતિએ 70 કિલોગ્રામના અત્યંત મુશ્કેલ મુકાબલામાં ન્યુઝીલેન્ડની મોર્ગન હેન્ડરસનને 3-1થી માત આપી. પૂર્વ વર્લ્ડ યુથ ચેમ્પિયન સિવાચે પુરુષોના 60 કિલોગ્રામની સેમિફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો. તેમણે બોત્સ્વાનાના ટ્રેઝર મોરેમીને સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયમાં 5-0થી હરાવ્યા.
વિમેન્સ 57 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં જેસ્મિન લાંબોરિયાએ ઇંગ્લેન્ડની એલિસ ગિલનને 4-1થી હરાવી. અંકુશે પુરુષોની 80 કિલો સેમિફાઇનલમાં સેશેલ્સના જેડ મિકોકને 5-0થી હરાવ્યાં. અંકુશે શાનદાર ડિફેન્સ અને ચુસ્ત આક્રમણથી પહેલાં જ રાઉન્ડથી દબદબો બનાવી લીધો.
બીજા રાઉન્ડમાં પણ તેઓ હાવિ રહ્યાં. તેમનાં માટે એક જજે 30-26 અને બાકીના જજે 30-27નો સ્કોર આપ્યો. નરેન્દર પણ મેન્સ 90 કિગ્રાથી વધુ વજન જૂથના ક્વાર્ટર ફાઇનલમાં સમોઆના માઇકલ સેકોને 3-2થી હરાવવામાં સફળ રહ્યા.
આ મુકાબલામાં રેફરીએ વારંવાર દખલગીરી કરી અને ભારતીય બોક્સરના બે પોઇન્ટ કાપ્યાં, પરંતુ નરેન્દરે સેકોને બે વાર પસ્ટેન્ડિંગ કાઉન્ટથ માટે મજબૂર કર્યો.

