New Delhi, તા, 21
ભારતનો આર્થિક વિકાસ દર ચાલું નાણાકીય વર્ષમાં 7 ટકાની આસપાસ રહી શકે છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના 6.7 ટકાના અંદાજ કરતાં વધુ મજબૂત છે. ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ જણાવ્યુ હતું કે આ વૃદ્ધિ દર ભારતને વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાં જાળવી રાખશે.
મદ્રાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતેનાં એક કાર્યક્રમમાં પૂનમ ગુપ્તાએ જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મજબૂત ગ્રોથની અપેક્ષાને કારણે આ સકારાત્મક અંદાજ સામે આવ્યો છે.
અધિકૃત આંકડાઓ ચાલું મહિનાનાં અંતમાં જાહેર થવાનાં છે, જેમાં અર્થશાસ્ત્રીઓ 6.9 ટકાથી 8 ટકા વચ્ચે વૃદ્ધિની આગાહી કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે આ સ્થિતિ દર્શાવે છે કે આખા વર્ષનો ગ્રોથ રેટ 7 ટકાની નજીક પહોંચી શકે છે.
ચોમાસામાં વિલંબ અને ઊર્જાના ઊંચા ભાવ જેવા આંચકાઓ છતાં ભારતીય અર્થતંત્રમાં આ મજબૂતી જોવા મળી રહી છે. આ ઝડપી વૃદ્ધિને કારણે જ ગુપ્તા તાજેતરમાં વ્યાજદરમાં વધારો કરવાનાં સંકેત આપી રહ્યાં છે.
આ સાથે તેમણે ભારતની બહારનાં નાણાકીય ખાતાઓ અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો, જેમાં વિદેશી મૂડીરોકાણમાં વધારો થવાની ધારણા છે.

