Ayodhya, તા.21
રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયનો 9 પાનાનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની આંતરિક કામગીરી, નાણાકીય વ્યવસ્થા, બેન્કિંગ સિસ્ટમ, ઓડિટ અને રામલલાના દર્શન માટેની વ્યવસ્થા અંગે અનેક દાવા કર્યા છે.
પત્રમાં ચંપત રાયે દાવો કર્યો છે કે, રામ મંદિર ટ્રસ્ટ તમામ સરકારી નિયમોનું પાલન કરે છે અને તેણે ક્યારેય આવકવેરાની ચોરી કરી નથી. તેમના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ દ્વારા ટેક્સ,GST, TDS, PF, ESI, લેબર સેસ અને સ્ટેમ્પ ડ્યૂટી સહિતના જરૂરી કર અને સરકારી ચુકવણીઓ કરવામાં આવે છે.
વાયરલ પત્રમાં ચંપત રાયે ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા અંગે પણ માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં ખાતા છે.
તેમણે દાવો કર્યો છે કે આ ત્રણેય ખાતા ચેકબુક વગરના છે. ટ્રસ્ટના તમામ પેમેન્ટ ઓનલાઈન છઝૠજ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. પત્ર અનુસાર, ટ્રસ્ટના બેન્ક ખાતામાં રોકડ રકમ જમા કરવામાં આવતી નથી.
ચંપત રાયના જણાવ્યા મુજબ ટ્રસ્ટમાં આંતરિક અને વૈધાનિક ઓડિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આંતરિક ઓડિટ દિલ્હીની એક ઓડિટ ફર્મ દ્વારા કરવામાં આવે છે, જ્યારે સ્ટેચ્યુટરી ઓડિટ દિલ્હીની બીજી ફર્મ દ્વારા કરવામાં આવે છે.
પત્રમાં તેમણે ટ્રસ્ટની નાણાકીય કામગીરીમાં નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવતું હોવાનો દાવો કર્યો છે. પત્રમાં રામલલાના દર્શન માટેની વ્યવસ્થા અંગે પણ માહિતી આપવામાં આવી છે. ચંપત રાયના દાવા મુજબ, દરરોજ આશરે 75 હજાર શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરે છે.

