Nadiad,તા.06
નડિયાદ મહાનગરપાલિકાની ટીમે સતત બીજા દિવસે વેરા વસૂલાત માટે નીકળી હતી. વેરા વિભાગની ટીમે નડિયાદ મોટી કેનાલ પાસે બે એકમો અને નાના કુંભનાથ રોડ સ્થિત હોસ્પિટલમાં તપાસ કરી હતી. રૂા. ૧૦ લાખ વેરા અંગે પ્રાઈમ ગર્લ્સ હોસ્પેટલ અને રૂા. ૪ લાખથી વધુ વેરા સંદર્ભે બી.એલ. ભટ્ટની હોસ્પિટલને શુક્રવાર સવાર સુધી વેરો ભરવા તાકીદ કરાઈ છે.
નડિયાદ મહાનગરપાલિકાની ટીમ ગઈકાલે પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. ત્યારે આજે ગુરૂવારે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા ૧૦ લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કર્યા બાદ આવતી કાલ સવાર સુધી વેરો ભરવા તાકીદ કરાઈ હતી. મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે. અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપા ટીમ સ્થળ પર પહોંચી હતી. રૂપિયા ૪ લાખથી વધુ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલે પણ મનપાની ટીમ ગઈ હતી. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી કરાય તેવી સંભાવનાઓ છે.