Rajkot તા.૧૯
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજકોટ જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ મંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેએ રાજકોટ સ્થિત અગ્રણી ઔદ્યોગિક સંસ્થા ટર્બો કાસ્ટ (ઇન્ડિયા) પ્રા. લી. ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ અને આગેવાનો વચ્ચે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, રોજગારી સર્જન, નિકાસ વૃદ્ધિ તથા આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં ઉદ્યોગજગતની ભૂમિકા અંગે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ કંપનીમાં અપનાવવામાં આવેલી આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ, ટેકનેલોજી આધારિત કાર્યપ્રણાલી તથા વૈશ્વિક ગુણવત્તા ધોરણોની જાણકારી મેળવી હતી.
ટર્બો કાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને પ્રિસિઝન એન્જિનિયરિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. કંપની દ્વારા એરોસ્પેસ, ડિફેન્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર જનરેશન, મેડિકલ ઇક્વિપમેન્ટ, ઓટોમોટિવ તથા અન્ય વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઉપયોગમાં આવતા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રિસિઝન કાસ્ટિંગ અને મશિન કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીની પ્રોડક્ટ્સ વિશ્વના અનેક દેશોમાં નિકાસ થતી હોવાને કારણે રાજકોટ અને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ રીતે ઉજાગર થઈ રહ્યું છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગકારો રાજ્યના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ અને ઉદ્યોગકારોની સાહસિકતાના પરિણામે ગુજરાત આજે દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે રાજકોટનો ઉદ્યોગ ક્ષેત્ર સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે હજારો પરિવારોના જીવનમાં સમૃદ્ધિ લાવી રહ્યો છે. ઉદ્યોગ, નવીનતા અને કુશળ માનવબળના સમન્વય દ્વારા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
મુલાકાતના અંતે આગેવાનોએ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ઉદ્યોગજગત વચ્ચે સતત સંવાદ અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમજ ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરી હતી.

