ભાજપના પૂર્વ ધારાસભ્ય અતરસિંહ ભડાના પર ભોંડા ગામના ટોળાએ હુમલો કરતા સારવાર દરમિયાન તેમનું નિધન
Jaipur, તા.૧૨
રાજસ્થાનના ભરતપુરમાં ક્રશર પ્લાન્ટને ફરીથી શરૂ કરવા મામલે મોટ ઝઘડો થયો હતો. જે બાદ ગામના ટોળાએ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અતરસિંહ ભડાના પર કથિત રીતે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત થયું હોવાના સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભોંડા ગામમાં ક્રશર પ્લાન્ટ પર હાજર અતરસિંહ ભડાના પર ૭૦થી ૮૦ લોકોના ટોળાએ ડંડા અને પથ્થરથી હુમલો કર્યો હતો. જેમાં અતરસિંહ ભડાના ગંભીર રીતે ઘાયલ થતાં તેમને જયપુરની જીસ્જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ ભોંડા ગામમાં તણાવનો માહોલ છે અને પોલીસ દ્વારા ગામમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
૧૧ ઓક્ટબરે સાંજે ૬ઃ૩૦ વાગ્યે અતરસિંહ ભડાના ભોંડા ગામ ખાતે આવેલા પોતાના ક્રશર પ્લાન્ટ પર હતા. મળતી માહિતી અનુસાર, લગભગ ૧ વર્ષથી બંધ પડેલા ક્રશર પ્લાન્ટને ફરીથી ચાલુ કરવાની કામગારી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગ્રામજનો અને અતરસિંહ ભડાનાના માણસો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદમાં મારામારીમાં ફેરવાઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મારામારી દરમિયાન મોટી સંખ્યામાં આવેલા ગામના લોકોએ લાકડી અને પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય અતરસિંહ ભડાના અને તેમનો સાથી ગગન શર્મા ગંભીર રીતે ઘાય હતા. જેથી બંનેને પહેલા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અતસસિંહ ભડાનાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જયપુરની જીસ્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
પૂર્વ ધારાસભ્ય અતર સિંહના પત્નીએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોલીસ પર યોગ્ય કામગીરી નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, હાલ પોલીસ દ્વારા ગામમાં ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ હુમલાની શરૂઆત, સામેલ લોકો મામલે તપાસ કરી રહી છે.

