(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬ઃ
Jamnagar જિલ્લાના ધ્રોલ તાલુકામાં વિરાણી ખીજડિયા ગામ નજીક જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર ધ્રોલ પોલીસે દરોડો પાડી ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, તા. ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ વિરાણી ખીજડિયા ગામથી ખેંગારકા ગામ જવાના રસ્તે આવેલા રામદેવપીરના મંદિર પાસે કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હારજીતનો ‘‘તીનપત્તી રોન પોલીસ‘‘ નામનો જુગાર રમી રહ્યા હતા. આ અંગે મળેલી બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે ભાવેશભાઈ રમેશભાઈ પરમાર (રહે. અણીયારા, રાજકોટ), ગંગારામભાઈ પુરણદાસ સોલંકી, દેવજીભાઈ ધનાભાઈ જાદવ, મોતીરામ લાલદાસ પરમાર, છોટાલાલ ભીખાભાઈ ડાંગર અને લક્ષ્મીદાસ પુરણદાસ સોલંકી( તમામ વિરણી ખીજડીયા ગામ) સહિત ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૫,૯૬૦ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં મળી કુલ રૂ. ૫,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સામે જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

