(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
Jamnagar જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત જામનગર જિલ્લા પોલીસે એક માથાભારે વ્યક્તિ સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અસામાજિક તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી દરમિયાન શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ કેશુભાઈ વરાણીયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આરોપી સામે મારામારીના ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે પાસા વોરંટ મંજૂર કર્યું હતું.
પાસા વોરંટના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાને ખોરવતા તત્વો સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, હીરેનભાઈ વરણવા, શરદભાઈ પરમાર, સુરેશભાઈ માલકિયા સહિત એલસીબી સ્ટાફ તેમજ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.બી. ડાભી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

