(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
ધ્રોલથી જોડિયા તરફ જતા હાઈવે પર માવાપર ગામના પાટિયા પાસે ટ્રક (ટ્રેલર)ના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકારતાં બોલેરો કારને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મેધપર ગામના તેજલબા ધર્મેન્દ્રસિંહ જાડેજાનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુર તાલુકાના મેધપર ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા ધર્મેન્દ્રસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ. ૩૬) તેમના પત્ની તેજલબા (ઉ.વ. ૩૪), નાના બાળકો તથા તેમના મિત્ર અને મિત્રની પત્ની સાથે મિત્રની જી.જે.૧૦-ઈ.સી.-૯૪૮૮ નંબરની બોલેરો કારમાં માતાના મઢનાં દર્શન કરવા જઈ રહ્યા હતા.દરમિયાન ગત તા. ૪ ઑક્ટોબરના રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ધ્રોલથી આગળ માવાપર ગામના પાટિયા પાસે પહોંચતાં જોડિયા તરફથી આવી રહેલા આર.જે.૨૭-જી.ઈ.-૦૫૦૦ નંબરના ટ્રક (ટ્રેલર)ના ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકાર્યું હતું અને બોલેરો કારની જમણી બાજુએ જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર તેજલબાને પેટના જમણા ભાગે ફેફસાં પાસે ગંભીર ઈજા થઈ હતી. ઉપરાંત ડાબી બાજુની પાંસળીઓ અને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ધર્મેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે ટ્રેલરના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧ તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

