Mehsana, તા.3
ખેરાલુ ખાતે આયોજિત ડાયરાના કાર્યક્રમમાં જાણીતા કલાકાર દેવાયત ખવડે સ્ટેજ પરથી જિગ્નેશ કવિરાજને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.જેના કારણે જિગ્નેશ કવિરાજની રાજકારણમાં એન્ટ્રીની અટકળોએ જોર પકડ્યું છે.
હકીકતમાં ડાયરાના કાર્યક્રમમાં મંચ પરથી દેવાયત ખવડે જાહેરમાં જણાવ્યું કે, હું રાજકારણનો માણસ નથી. મને રાજકારણની કંઈ ખબર પણ પડતી નથી. જો જીગો (જિગ્નેશ કવિરાજ) ચૂંટણી લડે, તો હું 1000 ટકા પ્રચાર કરવા માટે આવીશ. આ સમયે નીચે શ્રોતામાં બેઠેલ જિગ્નેશ કવિરાજ પણ મલકાઈ ઉઠ્યા હતા. જો કે હજુ સુધી જિગ્નેશ કવિરાજ દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
અગાઉ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે જિગ્નેશ કવિરાજે ખેરાળુમાં અસુવિધાને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સમયે જિગ્નેશ કવિરાજે ખાનગી મીડિયાને ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, હજુ સુધી મારા ગામનો વિકાસ થયો નથી. અહીં 3 દિવસે પાણી આવે છે. મારા ફેન્સ અને ખેરાળુના અગ્રણીઓ મને ચૂંટણી લડતો જોવા માંગે છે. આથી હું ચૂંટણી લડવાનો વિચાર કં છું.
અગાઉ જાણીતા ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરે પણ પોતાના રાજકારણમાં પ્રવેશના સંકેત આપ્યા હતા. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, મારા ચાહકો મને રાજકારણમાં પ્રવશ માટે કહી રહ્યા હોવાથી મને પણ લાગે છે કે, મારે રાજનીતિમાં જવું જોઈએ. જો કે હજુ સુધી મેં રાજકારણમાં જવા અંગે નક્કી નથી કર્યું, પરંતુ સમાજને પૂછીને ભવિષ્યમાં નિર્ણય લઈશ.
ગત વર્ષે ખાલી પડેલી કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની હતી, ત્યારે ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયાએ પણ ભાજપના ચૂંટણી નિરિક્ષકો સમક્ષ ટિકિટ માટે દાવેદારી કરી હતી.
અગાઉ ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવે, ગાયિકા ઐશ્વર્યા મજમુદાર ઉપરાંત ભાઈ-ભાઈ ફેમ ગાયક અરવિંદ વેગડા પણ પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

