આલેખનઃવિનોદ માછી નિરંકારી
ભારતીય સનાતન સંસ્કૃતિ અને વૈદિક પરંપરામાં પિતૃઓની આત્મશાંતિ,તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ અને અવિસ્મરણીય મહત્વ છે.ભાદરવ મહિનાના વદ પક્ષને આપણે ’શ્રાદ્ધ પક્ષ’ તરીકે ઉજવીએ છીએ જેમાં પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે પરંતુ જો આ પરંપરાના સૌથી ઉચ્ચતમ,દિવ્ય,આધ્યાત્મિક અને મુક્તિદાયક સ્વરૂપને સમજવું હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવાયેલી ભગવાન કપિલ મુનિ અને માતા દેવહૂતિની કથા સમસ્ત માનવજાતિ માટે સર્વોત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે.
આ કથા આપણને એક અત્યંત ગહન સત્ય શીખવે છે કે સંતાનનું કર્તવ્ય માત્ર શારીરિક ઉત્તરક્રિયા, લૌકિક ક્રિયાકાંડો કે ભૌતિક પિંડદાન પૂરતું સીમિત નથી.પોતાના માતા-પિતા કે વડીલોને અજ્ઞાનતાના અગાધ અંધકારમાંથી બહાર કાઢીને આત્મજ્ઞાનના પ્રકાશ દ્વારા ભવસાગરથી મુક્ત કરવા એ જ પિતૃઓ માટેનું સૌથી મોટું,સર્વોત્તમ અને પરમ શ્રાદ્ધ છે.
સનાતન ધર્મમાં મહર્ષિ કપિલ મુનિને ’સાંખ્ય દર્શન’ ના પ્રણેતા અને ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે માનવામાં આવે છે,તેમણે પોતાની માતા દેવહૂતિને આપેલો દિવ્ય ઉપદેશ એ માત્ર એક માતા અને પુત્ર વચ્ચેનો સામાન્ય સંવાદ નથી પરંતુ સમસ્ત માનવજાતિ માટે અજ્ઞાનના બંધનો તોડવાનો મુક્તિ માર્ગ દર્શાવતો શાશ્વત ગ્રંથ છે.આ દિવ્ય કથાની પૃષ્ઠભૂમિ તરફ નજર કરીએ તો સ્વયંભૂ મનુ અને શતરૂપાની તેજસ્વી પુત્રી દેવહૂતિના લગ્ન પ્રજાપતિ કર્દમ મુનિ સાથે થયા હતા.કર્દમ મુનિ સાથે લાંબો સમય અત્યંત ધર્મનિષ્ઠ ગૃહસ્થ જીવન વિતાવ્યા પછી અને દિવ્ય યોગ-સાધના દ્વારા પ્રજાની સેવાનંદ કર્યા પછી કર્દમ મુનિએ સંન્યાસ લઈને વનમાં જવાની અને પરમાત્માના ધ્યાનમાં લીન થવાની ઇચ્છા વ્યક્ત કરી.તે સમયે માતા દેવહૂતિ અત્યંત શોકાગ્રત અને ચિંતિત બન્યા.સંસારના મોહમાયા,આસક્તિ અને અજ્ઞાનતાના વાદળોથી ઘેરાયેલા હોવાને કારણે તેમને ગૃહસ્થ જીવનના અંતિમ ચરણમાં પણ કોઈ આધ્યાત્મિક શાંતિ મળી ન હતી.પતિના વનગમનથી તેઓ અત્યંત એકાંકી અને વ્યાકુળ બની ગયા.
માતા દેવહૂતિની આ ભક્તિપૂર્ણ વ્યાકુળતા અને આર્તનાદને જોઈને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ સ્વયં કર્દમ મુનિ અને દેવહૂતિના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો હતો જેઓ ઇતિહાસમાં મહર્ષિ કપિલ તરીકે પ્રખ્યાત થયા.પિતા કર્દમ મુનિ તો સમય આવ્યે વનમાં ચાલ્યા ગયા પરંતુ માતા દેવહૂતિ પોતાના તેજસ્વી પુત્ર કપિલ મુનિના આશ્રયે પવિત્ર બિંદુસર સરોવરના રમણીય તટે રહેવા લાગ્યા. જો કે સમય વીતવા છતાં માતા દેવહૂતિના મનમાંથી સંસારનો મોહ,પુત્ર-આસક્તિ,ભૌતિક સુખોની વાસના અને શોક દૂર થયા ન હતા.એક દિવસ તેમણે પોતાના જ્ઞાની પુત્ર અને સ્વયં ભગવાન કપિલ મુનિના ચરણોમાં બેસીને અત્યંત વિનમ્રભાવે અને આર્ત અવાજે પ્રશ્ન કર્યો કે..
‘‘હે પુત્ર ! મેં આ સમગ્ર જીવન ઇન્દ્રિયોના ભૌતિક સુખો પાછળ દોડવામાં અને મોહમાયાના જાળામાં જ વિતાવ્યું છે.મારૂં મન અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં ડૂબેલું છે,કૃપા કરીને મને એવો દિવ્ય માર્ગ બતાવો જેનાથી મારા આ મોહના તમામ બંધનો તૂટે અને મારી આત્માને પરમ શાંતિ તથા મુક્તિની પ્રાપ્તિ થાય.‘‘ માતાનો આ પ્રશ્ન એ માત્ર એક વ્યક્તિનો પ્રશ્ન નહોતો પરંતુ આ સંસારના પ્રત્યેક સામાન્ય જીવની પીડા છે જે ભવસાગરના મોજાંઓમાં ભટકી રહ્યો છે.
માતાના આ આર્ત પ્રશ્નને સ્વીકારીને પુત્ર કપિલ મુનિએ તેમને જે ગહન તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો તેને જ ભારતીય દર્શનશાસ્ત્રમાં ’સાંખ્ય યોગ’ કે ’કપિલ ગીતા’ તરીકે ઓળખવામાં આવે છે.શ્રીમદ ભાગવત મહાપુરાણના તૃતીય સ્કંધમાં આનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે.ભગવાન કપિલે પોતાની માતાને પ્રકૃતિ-પુરૂષ,જીવાત્મા અને પરમાત્માનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિશ્લેષણ સમજાવ્યું,તેમણે સ્પષ્ટ કર્યું કે..
મોહ જ સર્વદુઃખનું મૂળ છે.મનુષ્ય અજ્ઞાનતાના કારણે નાશવંત શરીરને જ પોતાનું સાચું સ્વરૂપ માની લે છે અને પરિવાર તથા સંસારના પદાર્થોમાં આસક્ત થઈને દુઃખી થાય છે.આત્મજ્ઞાન અને ભક્તિ નિષ્કામ કર્મ,કઠોર યોગ સાધના અને ગુરૂમુખથી પ્રાપ્ત આત્મજ્ઞાન દ્વારા જ મનુષ્ય પોતાના ચંચળ મનને જીતી શકે છે.
પ્રકૃતિથી મુક્તિ જ્યારે જીવાત્મા પોતાની શુદ્ધ અવસ્થાને ઓળખી લે છે ત્યારે તે પ્રકૃતિના તમામ ભૌતિક બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્મામાં સદૈવ માટે લીન થઈ જાય છે.ભારતીય સનાતન શાસ્ત્રોમાં પિતૃઋણમાંથી મુક્ત થવાના અનેક ઉપાયો બતાવ્યા છે.ગરૂડ પુરાણ, વાયુ પુરાણ અને અગ્નિ પુરાણમાં શ્રાદ્ધના મહિમાનું વિસ્તૃત વર્ણન છે.મનુસ્મૃતિ અનુસાર પણ પિતૃઓની પ્રસન્નતા કુટુંબમાં સુખ,સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે.
દેવકાર્ય અને પિતૃકાર્યમાં ક્યારેય પ્રમાદ-આળસ ન કરવો જોઈએ પરંતુ શાસ્ત્રો એ પણ સ્પષ્ટ કરે છે કે પિંડદાન એ શરીરની તૃપ્તિ અને બાહ્ય ઋણચૂકવણી માટે છે,જ્યારે તત્વજ્ઞાન,સદવિચારો અને આધ્યાત્મિક પ્રગતિ એ આત્માની મુક્તિ માટે છે,આ બંનેનો સુમેળ જ સનાતન સંસ્કૃતિનો સાચો આત્મા છે.
ભગવાન કપિલના આ દિવ્ય ઉપદેશને સાંભળીને અને તેના પર ગહન ચિંતન કરીને માતા દેવહૂતિનું હૃદય એકદમ પવિત્ર અને શુદ્ધ થઈ ગયું, તેમના તમામ સંશયો અને ભ્રમો કાયમ માટે નાશ પામ્યા, તેઓ અદ્વૈત ભક્તિ અને યોગના પ્રભાવથી જીવનમુક્ત બની ગયા અને અંતે દિવ્યગતિ પ્રાપ્ત કરી.
આ કથા આપણને એક અત્યંત મોટો અને પ્રેરણાદાયી સંદેશ આપે છે કે શ્રાદ્ધ-તર્પણ અને પિંડદાન એ આપણી પવિત્ર સંસ્કૃતિના અનિવાર્ય કર્તવ્યો છે, જે મૃત્યુ પામેલા પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આવશ્યક છે પરંતુ જો કોઈ સંતાન પોતાના માતા-પિતા કે વડીલો હયાત હોય ત્યારે તેમને સાચા સંસ્કારો, જ્ઞાન,સદવિચારો અને ઈશ્વરભક્તિના માર્ગૅ દોરી જાય કે તેમના મૃત્યુ પછી તેમના આત્માની સદગતિ માટે શાસ્ત્રોક્ત સાચો માર્ગ અપનાવે તો તે જ વાસ્તવિક શ્રાદ્ધ છે.
જે રીતે ભગવાન કપિલ મુનિએ પોતાની માતા દેવહૂતિને સાંખ્યજ્ઞાન આપીને સંસારના તમામ દુઃખો અને ભવસાગરથી સદા માટે મુક્ત કરી દીધા તે જ રીતે પ્રત્યેક સંતાનનું પરમ કર્તવ્ય છે કે તે પોતાના માતા-પિતાના જીવનને સાર્થક કરે. સાચી પિતૃસેવા માત્ર અન્ન કે જળ અર્પણ કરવા પૂરતી સીમિત નથી પરંતુ માતા-પિતાના જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરીને તેમને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરવી એ જ જીવનનું સૌથી મોટું પુણ્ય છે.

