મિની કૂપર કારે સ્કૂટર પર જઈ રહેલા ૩ લોકોને ટક્કર મારતા બે યુવતીઓ સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ મોત
Kochi, તા.૧૨
જ્યારે ઝડપનો નશો અને અમીરીનો ઘમંડ ભેગા થાય છે, ત્યારે રસ્તા પર નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. કેરળના એર્નાકુલમ જિલ્લામાં કોચી એરપોર્ટ નજીક રવિવારે વહેલી સવારે અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અતિ ઝડપે દોડતી મિની કૂપર કારે સ્કૂટર પર જઈ રહેલા ૩ લોકોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બે યુવતીઓ સહિત ત્રણેયના ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યા હતા. આ ભયાનક અકસ્માત બાદ કાર ચાલક ૧૯ વર્ષીય સુહેલ સજીવના મોઢેથી નીકળેલા શબ્દોએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવી દીધો છે.
અકસ્માત સર્જાયા બાદ જ્યારે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને કાર ચાલક સુહેલ સજીવ (ઉંમર ૧૯ વર્ષ)ને ઘેરી લીધો, ત્યારે પસ્તાવો વ્યક્ત કરવાને બદલે તેણે અત્યંત ઉદ્ધત અંદાજમાં જણાવ્યું કે “મારા પપ્પા બધું સંભાળી લેશે.” આ નિવેદને લોકોના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સુહેલને કસ્ટડીમાં લીધો હતો.
આ અકસ્માત રવિવારે વહેલી સવારે આશરે ૨ વાગ્યે નેદુમ્બાસેરી ખાતે બન્યો હતો. ત્રણ યુવક-યુવતીઓ નજીકની એક દુકાન પર ચા પીધા બાદ પોતાના સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યા હતા.
મૃતકોની ઓળખ
દેવિકા (મૂળ રહેવાસીઃ વાયનાડ)
ગોપિકા (મૂળ રહેવાસીઃ પલક્કડ)
ઇઝાઝ (મૂળ રહેવાસીઃ કર્ણાટક)
આ ત્રણેય મિત્રો ત્રિક્કાકરા ખાતે નોકરી કરતા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે સુહેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ સાપરાધ મનુષ્યવધ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ મેડિકલ તપાસ દરમિયાન સુહેલે સ્વીકાર્યું હતું કે તેણે અકસ્માત પહેલાં દારૂ પીધો હતો, પરંતુ તેનો દાવો હતો કે તેણે “માત્ર બિયર” પીધી હતી.
એર્નાકુલમ રૂરલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (જીઁ) કે. એસ. સુદર્શને પત્રકારોને જણાવ્યું કે, ડ્રાઇવરે દારૂ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું કે નહીં તેની સચોટ પુષ્ટિ માટે લોહીના નમૂના લેવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કારની અંદરથી કોઈ શંકાસ્પદ કે નશીલા પદાર્થો મળ્યા છે કે નહીં તે તપાસવા માટે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ચાલક નશાની હાલતમાં હોવાના મજબૂત સંકેત મળ્યા છે. આ મિની કૂપર કાર સુહેલના પિતાના નામે નોંધાયેલી છે અને સુહેલ પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રસ્તાની સાવ છેલ્લી ડાબી બાજુએ જઈ રહેલા સ્કૂટરને કારે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પાછળ બેઠેલી એક યુવતી હવામાં ફંગોળાઈ ગઈ હતી. સ્કૂટરના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને તેના ટુકડાઓ આખા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા, જ્યારે મિની કૂપર કારના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ જ્યારે સુહેલને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યારે મૃતકોના કેટલાક મિત્રોએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલની અંદર તેની સાથે બોલાચાલી થયા બાદ જ્યારે પોલીસ તેને બહાર લાવી રહી હતી ત્યારે પાછળથી તેના માથા પર પ્રહાર કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક વચ્ચે પડી વધુ હુમલો અટકાવ્યો હતો અને હુમલો કરનારાઓ પૈકી એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. હાલમાં પોલીસ લોહીના પરીક્ષણના અંતિમ અહેવાલ અને કારના ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે કાયદેસરની વધુ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પૈસા અને વગના જોરે કાયદાને ખિસ્સામાં રાખવાની માનસિકતા રસ્તા પર નિર્દોષોના જીવ લેવા માંડે, ત્યારે કાયદાનો ડર ક્યારે બેસશે તે મોટો પ્રશ્ન છે.

