ગંજીપાનાથી તીનપત્તી રમતા ૭ શખ્સ ઝડપાયા, રોકડ સહિત રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ કબજે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦ઃ
લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં વાડીના શેઢા પાસે જાહેરમાં ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને જામનગર એલસીબીએ દરોડો પાડી ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૬૦ હજાર રોકડા, સાત મોબાઇલ ફોન, એક કાર અને બે મોટરસાઇકલ મળી કુલ રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભરતભાઈ ડાંગરને મળેલી ખાનગી બાતમીના આધારે વીરડા વાડી સીમમાં રમેશભાઈ ગાગીયાની વાડીના શેઢા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સાત શખ્સો તીનપત્તીનો જુગાર રમતા મળી આવતા પોલીસે તમામને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.૬૦,૦૦૦ રોકડા અને ગંજીપાનાં ૫૨ પાનાં ઉપરાંત એક ફોરવ્હીલર તથા બે મોટરસાઇકલ, જેની કુલ કિંમત રૂ.૪.૧૦ લાખ, તેમજ રૂ.૩૫ હજારની કિંમતના સાત મોબાઇલ ફોન કબજે કર્યા હતા. આમ કુલ રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા શખ્સોમાં રમેશભાઈ ગાગીયા, રામ મુળુભાઈ ચાવડા, રાહુલ ગાગીયા, યોગેશભાઈ ધ્રાગુ, લાખાભાઈ ભાયાભાઈ કરમૂર અને દાનાભાઈ વારોતરિયાનો સમાવેશ થાય છે.આ અંગે કિશોરભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ. ધનશ્યામભાઈ ડેરવાળિયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.ભાટીયા તથા સ્ટાફે કરી હતી.

