Unaતા.19
ગીરની બોર્ડર પર આવેલા ઉના પંથકમાં વનરાજોનો વસવાટ હવે ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તર્યો છે. ઉનાના ઝૂડવડલી ગામ પાસેથી પસાર થતી મછુન્દ્રી નદીમાં એક સાથે 4 થી વધુ સિંહોનો પરિવાર જોવા મળ્યો હતો. નદીના વહેતા પાણીને એકપછી એક કૂદીને પસાર કરતા સિંહ પરિવારના આ અદભૂત દ્રશ્યો સ્થાનિક સિંહ પ્રેમી ઓએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.
ઉના અને ગીરગઢડા પંથક સિંહોના કાયમી નિવાસ સ્થાન તરીકે જાણીતા છે. જોકે, છેલ્લા કેટલાક સમય થી જંગલ વિસ્તારમાં પૂરતો શિકાર ન મળતો હોવાના કારણે સિંહ પરિવારો હવે ગ્રામ્ય વિસ્તારો અને માનવ વસાહત તરફ વળ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ઝૂડવડલી સહિતના આસપાસના ગામોમાં સિંહોની અવરજવર હવે સ્થાનિકો માટે સામાન્ય બની ગઈ છે.
નદીમાં સિંહબાળ અને સિંહણની મસ્તીરાત્રિના સમયે જ્યારે સિંહણ તેના બચ્ચાંઓ સાથે મછુન્દ્રી નદીના પટમાં ઉતરી ત્યારે આ નજારો જોવા જેવો હતો. સિંહો પાણીના વહેણને કૂદીને સામે કાંઠે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો વનરાજોની આ શાહી લટાર જોવા ઉમટી પડયા હતા. સિંહ પરિવારના આ વિચરણથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

