Rajkot તા.૨૫
શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા ખોડિયારપરા વિસ્તારમાં આજે સવારે ૨૧ વર્ષની સગર્ભાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિણીતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા ખોડિયારપરા (કાનાભાઈનું મફતિયું) વિસ્તારમાં ભાડેથી રહેતા રુચિકુમારી અટલકુમાર (ઉં.વ. ૨૧) આજે સવારે ૧૦૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ઘરમાં પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ પતિ અટલકુમારને થતાં જ તેમણે પત્નીને બચાવવા માટે તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. જોકે, હોસ્પિટલના તબીબી સ્ટાફે તપાસ કર્યા બાદ રુચિકુમારીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રુચિકુમારીના લગ્ન આશરે ૩ વર્ષ પહેલાં બિહાર ખાતે અટલકુમાર સાથે થયા હતા. તેમને સંતાનમાં ૧.૫ વર્ષની એક માસૂમ દીકરી છે. અટલકુમાર અહીં ભઠ્ઠી ખાતામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ શ્રમિક પરિવાર હજુ ૬ મહિના પહેલા જ રોજગારીની આશાએ બિહારથી રાજકોટ શિફ્ટ થયો હતો. મૃતક રુચિકુમારીને ૩ મહિનાનો ગર્ભ હતો. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

