કારખાનાના બાથરૂમમાં ગળાફાંસો ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાયા, કારણ અકબંધ
Rajkot તા.૨૫
શહેરના આજી જીઆઈડીસી રોડ નજીક ૨૬ વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પત્ની લાંબો સમય સુધી બહાર ન આવતા શંકા વહી પતિએ તાત્કાલિક દરવાજો તોડી તેને ગંભીર હાલતમાં નીચે ઉતારી હતી અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ અમદાવાદના વતની અને હાલ રાજકોટના આજી જીઆઈડીસી રોડ પર આવેલા જય કિશન પ્લાસ્ટિક નામના કારખાનામાં રહેતા કાજલબેન મિતેશભાઈ પંડ્યા (ઉં.વ. ૨૬) ગઈકાલે રાત્રિના આશરે ૧૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે (કારખાનાની ઓરડીમાં) હતા. આ દરમિયાન તેઓ બાથરૂમમાં ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરી ગળાફાંસો ખાઈ લીધો હતો. કાજલબેન ઘણા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પતિ મિતેશભાઈને ચિંતા થઈ હતી. તેમણે દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા આખરે દરવાજો તોડી નાખ્યો હતો. અંદર જોતા જ કાજલબેન લટકેલી હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક પત્નીને નીચે ઉતારી અર્ધબેભાન અને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કાજલબેન અને મિતેશભાઈએ આજથી ૩ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. આ સુખી લગ્નજીવન દરમિયાન તેમને ૧.૫ વર્ષનો એક માસૂમ દીકરો પણ છે. આ પરિવાર મૂળ અમદાવાદનો છે પરંતુ છેલ્લા ૭ મહિનાથી રોજગારી અર્થે રાજકોટ આવી આજી જીઆઈ ડીસી કારખાનામાં કામ કરતો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

