Veraval તા.20
ગીર સોમનાથ જિલ્લાની કોસ્ટલ સુરક્ષા વધારવા દરિયા કાંઠા વિસ્તારમાં ચેકીંગ સબબ ફૂટ પેટ્રોલિંગ ની કામગીરી હાથ ધરેલ છે. ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ હદ ધરાવતો હોય અને દરિયાઈ વિસ્તાર માંથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે સારા કોસ્ટલ વિસ્તાર માં સઘન પેટ્રોલિંગ રાખવા તેમજ વિશેષ તકેદારી રાખવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા મળેલ સુચના અનુસંધાને મરીન કમાન્ડો ડી.વાય.એસ.પી. એસ.આર.શર્મા, સોમનાથ મરીન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.વસાવા, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા, પોલીસ સબ.ઇન્સ્પેક્ટર આર.એચ.સુવા ની રાહબરી હેઠળ એસ ઓ જી પોલીસ સ્ટાફ તથા મરીન કમાન્ડો ફોર્સ તથા સોમનાથ મરીન પોલીસ સ્ટાફે તા.17 ના કોસ્ટલ સુરક્ષા સુદ્રઢ કરવા સંયુક્ત રીતે હિરકોટ બંદર, કદવાર, જંગલ વિસ્તાર થી સુત્રાપાડા વિગેરે કોસ્ટલ વિસ્તાર માં ચેકિંગ સબબ સઘન ફૂટ પેટ્રોલિંગ કરી કોસ્ટલ સુરક્ષા લગતી કામગીરી કરેલ છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવી રહી છે અને સમગ્ર જિલ્લામાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લાભરમાં કુલ 15 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બ્રેથ એનાલાઈઝર અને બોડી વોર્ન કેમેરા ની મદદથી કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા પોલીસે ખાસ દેખરેખ વધારી છે. ખાસ કરીને પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર ચીજવસ્તુઓ જિલ્લાની સીમા માં પ્રવેશી ન શકે તે માટે સીમા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આચારસંહિતા લાગુ થયા બાદ જિલ્લામાં લગભગ 90 ટકા લાયસન્સવાળા હથિયારો જમા લેવાઈ ચૂક્યા છે. અટકાયતી પગલાં અંતર્ગત અત્યાર સુધીમાં 2100 થી વધુ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે વાહન ચેકિંગ અભિયાન હેઠળ આશરે 6 હજાર વાહનોની તપાસ કરવામાં આવી છે.
વધુમાં, જિલ્લામાં 56 હિસ્ટ્રીશીટર, 552 બુટલેગર અને 51 ગેમ્બલર પોલીસની કડક નજર હેઠળ રાખવામાં આવ્યા છે. આ પગલાં ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે લેવાયા છે.

