Washington, તા.5
નાસાએ મંગળ ગ્રહના મિશન પર ગયેલાં પોતાનાં અંતરિક્ષ યાન `માર્સ મેવન’ સાથે છ મહિના સુધી કોઈ સંપર્ક ન થવાને કારણે તેને નિષ્ક્રિય જાહેર કરી દીધું છે. અંતરિક્ષ એજન્સીએ ગઈકાલે આ મિશનનાં સમાપ્ત થવાની પુષ્ટિ કરી હતી.
જે એક દાયકા કરતાં વધુ સમય સુધી ચાલ્યું હતું. નાસાના પ્રોજેક્ટ મેનેજર માઈકલ મેયરે જણાવ્યું કે, આ અભિયાનનાં સમાપ્ત થવાથી ટીમને ખરેખર પોતાનાં કોઈ પ્રિયજન ગુમાવ્યા જેવું દુઃખ થયું છે.
મંગળ ગ્રહના વાયુમંડળનો અભ્યાસ કરવા માટે 2013માં લોન્ચ કરવામાં આવેલું `મેવન’ અંતરિક્ષ યાન, મંગળ ગ્રહની પાછળથી પસાર થતી વખતે ડિસેમ્બરની શરૂઆતમાં રહસ્યમય રીતે સંપર્ક વિહોણું થઈ ગયું હતું.
નાસા તરફથી જારી કરાયેલાં આંકડાઓમાં સામે આવ્યું છે કે અંતરિક્ષ યાન ખૂબ જ તીવ્ર ગતિથી ફરવા લાગ્યું હતું, જેના કારણે તેની કક્ષા પ્રભાવિત થઈ અને તેમાં લાગેલી બેટરી ખતમ થઈ ગઈ.
સો વર્ષ સુધી કક્ષામાં રહેશે –
આ વર્ષની શરૂઆતમાં નાસા તરફથી એક સમીક્ષા બોર્ડે તારણ કાઢ્યું છે કે, અંતરિક્ષ યાન નિષ્ક્રિય થઈ ગયું છે અને તેને પાછું લાવી શકાય તેમ નથી. બોર્ડે આશા વ્યક્ત કરી છે કે તે આગામી 50 થી 100 વર્ષ સુધી મંગળ ગ્રહની કક્ષામાં રહેશે અને પછી તેની સાથે અથડાઈ જશે, જેનાથી ત્યાં સુધી અન્ય અંતરિક્ષ યાનોને કોઈ સમસ્યા નહીં થાય. બોર્ડે જણાવ્યું કે સમસ્યાનાં કારણોની તપાસ હજુ ચાલું છે.

