New Delhi,તા,18
ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આંદામાન સાગર અને નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસાએ તેના નિયત સમય કરતાં 6 દિવસ વહેલા પહોંચી ચુક્યું છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વર્ષે 26 મે સુધીમાં જ તે કેરળના તટ પર પહોંચી જવાની પ્રબળ સંભાવના છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી કેરળના પથનમથિટ્ટા અને અલપ્પુઝા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે.
એક તરફ દક્ષિણમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારત કાળઝાળ ગરમીમાં હોમાઈ રહ્યું છે. સવારે 10 વાગ્યા પછી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
ઉત્તર પ્રદેશના બાંદામાં સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ 46.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીં નોંધાયું છે. આ સિવાય ઝાંસી, પ્રયાગરાજ, વારાણસી અને લખનૌમાં પણ સ્થિતિ ગંભીર છે. હરિયાણા અને પંજાબના સિરસા, રોહતક, હિસાર અને ભટિંડા જેવા શહેરોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. ચંદીગઢમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે અને તાપમાન 42 થી 44 ડિગ્રીની વચ્ચે સ્થિર છે.
મેદાની વિસ્તારોની સાથે સાથે પહાડો પર પણ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશના ઉનામાં તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 મેથી પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવા જઈ રહ્યું છે. જેના કારણે ચંબા, કાંગડા અને કુલ્લુ જેવા વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 22 અને 23 મેના રોજ વરસાદ પડવાથી ગરમીથી થોડી રાહ મળી શકે છે.આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં ગરમીનું મોજું (લૂ) વધુ તીવ્ર બનવાની ચેતવણી આપવામાં આવી છે. આ જીવલેણ ગરમીથી બચવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં બપોરે 12.00 થી 3:00 વાગ્યાની વચ્ચે સીધા તડકામાં બહાર નીકળવાનું ટાળો.તરસ ન લાગી હોય તો પણ શરીરમાં પાણીની કમી ન થવા દો અને વારંવાર પાણી પીતા રહો. આહારમાં ORS, લીંબુ પાણી, છાશ અથવા લસ્સી જેવા પ્રવાહી પદાર્થોનો ઉપયોગ વધારવો.બહાર નીકળતી વખતે હળવા રંગના, ઢીલા અને સુતરાઉ (કોટન) કપડાં પહેરો. માથું ઢાંકવા માટે ટોપી, કપડું કે છત્રીનો ઉપયોગ ચોક્કસ કરો.બાળકો, વડીલો અને બીમાર વ્યક્તિઓની આ ઋતુમાં વિશેષ કાળજી રાખો.

