Rajkot, તા.4
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનાં ગ્રીન ફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ગત એક માસમાં 86 હજારને પાર મુસાફરો નોંધાયા હતા. ગત જુલાઇ માસમાં 44717 આગમન અને 41704 પ્રસ્થાન સાથે કુલ 86421 મુસાફરો સાથે 314 વિમાનોનું ઉડ્ડયન નોંધાયું હતું.
ઇરાન-અમેરિકાના મીડલ ઇસ્ટનાં યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ હવાઇ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. હા એર લાયન્સ કંપનીઓએ પોતાના સેવામાં કાપ મુકી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જુલાઇ માસમાં ચાર વિમાનો સેવામાંથી હટાવી લીધા હતા. એર ઇન્ડિયાએ મુંબઇ-દિલ્હી 1-1 અને ઇન્ડિગો એર લાઇન્સ
કંપનીએ નવી મુંબઇની એક ફ્લાઇટ બંધ કરતાં રાજકોટ એરપોર્ટમાં દૈનિક વિમાનોના ઉડ્ડયન 10-11 ફ્લાઇટનું રહ્યું છે જે જુન માસમાં 13-14 ફ્લાઇટનું ઉડ્ડયન રહ્યું હતું.
સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રો સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ (ગીરનાર), સાસણ ગીર સફારી પાર્ક નિહાળવા દુર-દુરના રાજ્યો અને વિદેશી પ્રવાસીઓ માટે રાજકોટનું એરપોર્ટ અનુકુળ હોવાથી પર્યટકો મોટી સંખ્યામાં હવાઇ સેવાનો લાભ લઇ રહ્યા છે.
સાથોસાથ રાજકોટ વેપાર-ઉદ્યોગનું હબ હોવાથી ઉદ્યોગકારો-ઉદ્યોગપતિ, નાના-મોટા વેપારીઓ ઉપરાંત દેશ-વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ કરતાં સ્ટુડન્ટ માટે હવાઇ સેવા ઉપયોગી નિવડી આવા સંજોગોને ધ્યાને લઇ છેલ્લા 7 માસમાં 7.75 લાખ ઉપરાંત મુસાફરોએ ઇન્ટરનેશનલ એરપોર્ટની હવાઇ સફર માણી ચૂક્યા છે. ચાલુ વર્ષે છેલ્લા 7 માસમાં (જાન્યુઆરીથી જુલાઇ) દરમિયાન 3.95,005 મુસાફરોનું આગમન, 3,80,068 મુસાફરોનું પ્રસ્થાન મળી કુલ 7,75,073 મુસાફરો નોંધાયા છે.
જેમાં સૌથી વધુ જાન્યુઆરી-26માં 1.36,445 સૌથી ઓછા જુલાઇમાં 86421 પ્રવાસીઓ નોંધાયા છે. ગત જુન-26માં ઉનાળુ વેકેશનમાં 93 હજારને પાર મુસાફરો નોંધાયા હતા. મે માસમાં 416 વિમાનોનું ઉડ્ડયન સૌથી વધુ નોંધાયું છે.
હાલ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ એક પણ વિમાનની સેવા નથી. ક્યારેક ક્યારેક ઇમરજન્સી વેળાએ જ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું લેન્ડિંગ થાય છે. ગત તા.27-7-26નાં રોજ દુબઇ-મુંબઇની ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ગત વર્ષ જુલાઇ-25માં અબુધાબી-મેંગ્લોર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ સિવાય એકપણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજુ ઉડી નથી તેને રાજકોટની કમનસીબી ગણવી રહી.
નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરુ થયાનાં ત્રણ વર્ષ બાદ પણ હજુ એકપણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ નથી. હાલ એરપોર્ટમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગો એર લાયન્સ કંપની ડેઇલી-10 અને સપ્તાહ-1 મળી કુલ 11 ફ્લાઇટની સેવા શરૂ છે. જેમાં એર ઇન્ડિયાની મુંબઇ, દિલ્હી 1-1 ડેઇલી ફ્લાઇટ અને ઇન્ડિગોની મુંબઇ-4, દિલ્હી-2, બેંગ્લોર-હૈદરાબાદ-1-1 અને પૂના સપ્તાહમાં 4 દિવસ ઉડી રહી છે. જેનો દેશ-વિદેશના પ્રવાસીઓ લાભ લઇ રહ્યા છે.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ઇમીગ્રેશન-કસ્ટમ વિભાગનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર હોવા છતાં ત્રણ વર્ષ બાદ ઇમીગ્રેશન હજુ શરુ થવા પામી નથી. માત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટની ગણના થઇ રહી છે. ઉડ્ડયન મંત્રીએ વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે તેવી ખાત્રી આપ્યા બાદ પણ હજુ રાજકોટના એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાની એકપણ ફ્લાઇટ નહીં મળતા આજે પણ કનેક્ટીંગ ફ્લાઇટ પકડવા અમદાવાદ, મુંબઇ સુધી દોડવું પડે છે.

