Junagadh , તા.25
જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ર્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ ખાસ રોડ રસ્તાના મંજૂર થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે રોડ રસ્તાના કામો ઝડપથી આગળ વધારવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત કામોની ગુણવત્તા પર પણવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરએ ધારાસભ્યોએ રજૂ કરેલા પ્રશ્ર્નો સંદર્ભે અધિકારીશ્રીઓને જરૂરી દિશાનિર્દેશો આપવાની સાથે જરૂરી માર્ગદર્શન કર્યું હતું. સાથે જ સમયમર્યાદામાં નિવારણ થાય તે માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત લોકોના પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યાં હતાં. જિલ્લા કલેકટરશ્રીએ જનઆરોગ્યને ધ્યાન રાખી ઘી દૂધ સહિતના ખાદ્યપદાર્થના મહત્તમ સેમ્પલ લેવા માટે પણ નિર્દેશ આપ્યા હતા, સાથે જ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વ સામે પોલીસ ફરિયાદ કરી દાખલારૂપ કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ રોડ રસ્તા, દબાણ, પેશકદમી, ગ્રામ્ય અને વન વિભાગ હેઠળના રસ્તાઓના મરામત, સરકારી મિલકતનો રખરખાવ, પુરાતત્વ વિભાગ હેઠળના સ્થળોને સુરક્ષિત રાખવા અને દબાણ દૂર કરવા, કૃષિ ધિરાણના વ્યાજનું રીબેટ, સિંચાઈ, નેશનલ હાઈવે પર પાણીના નિકાલ સહિતના પ્રજાકીય પ્રશ્ર્નો રજૂ કર્યા હતા, આ સંદર્ભમાં સલગ્ન અધિકારીઓએ પણ પ્રશ્ર્નોના નિવારણ અર્થેના પ્રત્યુતર પાઠવ્યા હતા.

