Rajkot. તા.25
આટકોટમાં લુખ્ખાઓ બેફામ બન્યાં હોય તેમ ફ્રુટ ધંધાર્થી યુવાન પાસે સાળા- બનેવીએ જુગાર રમવા માટે પૈસા માંગતા યુવાને રૂપીયા આપવાની ના પાડતા ચાર શખસોએ યુવાન પર લાકડી, છરી, પાઇપ વડે હુમલો કરી તેને ઇજા પહોંચાડી હતી. જે મામલે આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે આટકોટમાં કૈલાશનગર પાણીના ટાંકા પાસે રહેતા અરવિંદ વિકુભાઈ માણદુરીયા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આટકોટમાં જ રહેતા અક્ષય જાની સાઢમીયા, રમેશ જકસી માથસુરીયા, રવી જાની સાઢમીયા અને હિતેષ વાઘેલાના નામ આપી જણાવ્યું હતું કે, તે મજુરી કામ તથા ફ્રુટની લારીમા ફ્રુટ વેંચી પરીવારનું ગુજરાન ચલાવે છે.
ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ યુવાન ઘર પાસે હાજર હતો ત્યારે તેના ઘર પાસે તેના સમાજના અક્ષય સાઢમીયા તથા તેનો જમાઈ રમેશ માથાસુરીયા બન્ને ત્યા આવ્યા અને કહ્યું હતું કે, તારી પાસે કેરીના વેપારના રૂપિયા આવ્યા હોય તે રૂપિયા મને આપ અમારે જુગાર રમવા રૂપીયાની જરૂર છે. અક્ષય તથા રમેશ દારૂ- જુગારની ટેવવાળા હોય જેથી યુવાને તેને રૂપિયા આપવાની ના પાડતા બંને ગાળો આપવા લાગ્યા હતા અને અક્ષય પાસે લોખંડનો પાઇપ હોય જે પાઇપના બે ઘા મારી દીધા હતાં.
દરમિયાન અક્ષયનો નાનોભાઈ રવિ છરી સાથે દોડીને ત્યાં આવ્યો હતો અને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી તે જમીન ઉપર નીચે પડી ગયેલ ત્યારે પાછળથી રવિ તથા અક્ષયનો નાનો બનેવી હિતેશ વાઘેલા પણ દોડીને ત્યાં આવેલ અને લાકડીથી માર માર્યો હતો. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી ભાગી ગયેલ અને જતા-જતા કહ્યું હતું કે, આજે તો તું બચી ગયો હવે ભેગો થા એટલે તને જાનથી મારી નાખશુ.
બાદમાં યુવાનને 108 મારફત જસદણ સરકારી હોસ્પિટલ સારવારમા લાવવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.

