Ahmedabad, તા. ર6
આજે તા. 26ના અમદાવાદના નગરદેવી માઁ ભદ્રકાળીની નગરયાત્રા યોજાઈ છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. મંગળા અને શણગાર આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
માઁ ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ કહ્યું હતું કે, આ વખતે 8.5 કિ.મી. લાંબી નગરયાત્રા રહેશે. ગત વખત કરતાં આ વખતે રૂટમાં બે વિસ્તારો વધારવામાં આવ્યા છે. હવે ખાડિયા અને રાયપુરમાંથી પણ નગરયાત્રા પસાર થશે.’તેમણે કહ્યું કે માતાજીના રથને પ્રસ્થાન કરાવવા માટે હર્ષ સંઘવી પધારવાના હતા પરંતુ કોઈ કારણોસર છેલ્લી ઘડીને ન આવી શક્યા અને તેમણે મોડી રાતે ફોન કરીને આ વિશે જણાવી દીધું હતું. જ્યારે તેમની જગ્યાએ અમદાવાદના મેયર પ્રતિભા જૈન આવ્યા હતા જે પણ ફોર્માલિટી કરીને 10 જ મિનિટમાં રવાના થઈ ગયા હતા.
મેયરના હસ્તે પહિંદ વિધિ
મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરાવી નગરયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પહિંદ વિધિનું સમાપન થતાં જ અખાડા અને ભજન મંડળીઓ મંદિરથી રથ લઈને નગરચર્યાએ ઉમટી પડ્યા હતા. રથની સાથે જ ધજા પતાકા પણ જોવા મળ્યા હતા. ઢોલ નગારા તથા અખાડાના કરતબો સાથે યાત્રા ત્રણ દરવાજા તરફ આગળ વધી હતી. અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી માઁ ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમાન, મેયરે પ્રસ્થાન કરાવ્યું.
મંદિરનો વિશેષ ફૂલોથી શણગાર
આજે વિશેષ દિવસે મંદિર ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી શણગારેલું છે. મંદિરના પ્રાંગણમાં ભક્તો ઢોલ અને ડાકલા તાલે ઝૂમી રહ્યા છે અને માતાજીની ભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાવળ દેવ દ્વારા ડાકલાના તાલે માતાજીને રથમાં વિરાજિત કરાયા હતા.
પોલીસ કાફલો ખડેપગે
આજે નગરદેવી માઁ ભદ્રકાળીની નગરયાત્રા નિમિત્તે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં 350થી વધારે પોલીસનો સ્ટાફ સુરક્ષામાં હાજર છે. માતાજીના રથના પ્રસ્થાન પહેલા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું છે. જોકે પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડીજે કેન્સલ રાખવામાં આવ્યો હતો.

