New Delhi, તા.23
અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચેના યુધ્ધને કારણે ભારતને થયેલી અસર વધુ વકરવા લાગી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાન મંડળની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી તેમાં વિવિધ બાબતોની સમીક્ષા કરવાની સાથોસાથ સરકારનો અભિગમ નકકી કરવા કમીટીનું ગઠન કરવાની સુચના આપી હતી.
વડાપ્રધાન મોદીએ યોજેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ, નાણા મંત્રી નિર્મલા સિતારામન, વિદેશ મંત્રી એસ. જયશંકર વગેરે હાજર રહ્યા હતા. કેબીનેટ બેઠક બાદ સુરક્ષા બાબતોની કેબીનેટ બેઠક પણ યોજવામાં આવી હતી.
પ્રદાન મંડળની બેઠકમાં પેટ્રોલીયમ ચીજો, ઉર્જા, ખાતર જેવી ચીજો વિશે સમીક્ષા કરવામાં આવી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની ઉર્જા સુવિધાને નષ્ટ કરવા અલ્ટીમેટમ આપ્યું હોવાથી સુરક્ષા બાબતોની કેબીનેટ બેઠક યોજવામાં આવી હતી. કેબીનેટ સચિવ ટી.વી. સોમનાથને વૈશ્વિક હાલતનો વિસ્તૃત રિપોર્ટ રજુ કર્યો હતો અને ભારતના સંબંધિત વિભાગોએ કરેલી તૈયારી દર્શાવવામાં આવી હતી.
કૃષિ, ખાતર, ખાદ્ય સુરક્ષા, પેટ્રોલીયમ, પાવર, એમએસએમઇ, નિકાસકારો, શીપીંગ, વ્યાપાર, સપ્લાય ચેઇન જેવા મુદ્ાઓ મામલે લીધેલા પગલા ગણાવવામાં આવ્યા હતા અને નવા સંભવિત પગલાની પણ ચર્ચા થઇ હતી.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા ઇસ્યુ સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું કે યુધ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ટુંકા-મધ્યમ અને લાંબા ગાળાની અસર થઇ શકે છે. ભારત પર સંભવિત અસર સામે ટુંકા અને લાંબાગાળાના પગલાની ચર્ચા થઇ હતી.અનાજ, ઉર્જા અને પેટ્રોલીયમ જેવી સામાન્ય લોકોને સ્પર્શતી ચીજો વિશે વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ જ રીતે ખાતર મોરચે ખેડૂતોને થનારી અસરની ચર્ચા થઇ હતી.
કોલસાનો પર્યાપ્ત સ્ટોક હોવાથી ઉર્જા ક્ષેત્રે કોઇ અસર થાય તેમ ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સરકારના અભિગમ આધારિત પગલા લેવા માટે પ્રધાનો તથા સચિવોની કમીટી બનાવવા સુચના આપી હતી.

