New Delhi તા. 5
લગ્નજીવનમાં મતભેદો એ સંસારનો એક સામાન્ય હિસ્સો છે અને તેનાં કારણે પાર્ટનર્સ વચ્ચે ક્યારેક વાતચીત બંધ પણ થઈ શકે છે. દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પતિ તેની પત્ની સાથે થોડા દિવસ વાત ન કરે, તો માત્ર આ એક આધાર પર તેને પત્ની પ્રત્યે ક્રૂરતા આચરવા બદલ દોષિત ઠેરવી શકાય નહીં.
ન્યાયમૂર્તિ જે. કે. મહેશ્વરી અને ન્યાયમૂર્તિ અતુલ એસ. ચંદની બેન્ચે ટ્રાયલ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટના અગાઉનાં ચુકાદાને ફગાવી દઈને એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે. આ મામલામાં પતિને ભારતીય દંડ સંહિતાની કલમ 498અ હેઠળ પત્ની પ્રત્યે ક્રૂરતા આચરવાના ગુનામાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જે સજા સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.
આ કેસની વિગતો મુજબ, પતિ પોતાની પત્ની સાથે 13 દિવસ સુધી બોલચાલના સંબંધોમાં નહોતો, જેનાથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કેસનાં તથ્યોને જોતાં અને કોઈ નક્કર પુરાવા વિના માત્ર 13 દિવસ સુધી મૃતક સાથે વાતચીત ન કરવી, તેને કોઈ પણ સંજોગોમાં ક્રૂરતાના દાયરામાં લાવી શકાય નહીં. અદાલતે વધુમાં નોંધ્યું કે, આ કેસમાં અપીલકર્તા પતિ અને મૃતક પત્ની વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો હોય
તેવું પણ સામે આવ્યું નથી, જેના આધારે ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. હાઈકોર્ટના ચુકાદામાં પણ પતિ વિરુદ્ધ ક્રૂરતાના આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવાઓનો અભાવ હતો, જેને અગાઉની અદાલતો ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી હતી
સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દરમિયાન સ્પષ્ટ કર્યું કે, કાયદાની નજરમાં ક્રૂરતા સાબિત કરવા માટે કઈ બાબતો જરૂરી છે. અદાલતે જણાવ્યું કે સૌથી પહેલા એ નક્કી કરવું પડે કે આરોપીના કૃત્યની ગંભીરતા અને તીવ્રતા એટલી હદ સુધીની હતી કે જેનાથી મહિલા આત્મહત્યા કરવા માટે મજબૂર થાય અથવા તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મોટું જોખમ ઊભું થાય.
કલમ 498અ હેઠળ ગુનો નોંધવા માટે આરોપીનું વર્તન ઈરાદાપૂર્વકનું અને અત્યંત ત્રાસદાયક હોવું જોઈએ. આ ઉપરાંત, ફરિયાદ નોંધાવવાના અથવા આત્મહત્યા જેવી ઘટનાના નજીકનાં સમયગાળામાં સતત થયેલી હેરાનગતિ જ આ કેસમાં સુસંગત પરિબળ બની શકે છે.
કોર્ટે અદાલતોને માર્ગદર્શન આપતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સામાન્ય કે નાના-મોટા ઝઘડાઓને કલમ 498અ હેઠળ ક્રૂરતા ગણી શકાય નહીં. લગ્નજીવનમાં થતા રોજબરોજના નાનામોટા વિવાદો કાયદાકીય ગુનાના દાયરામાં આવતા નથી.
આથી, અદાલતોની એ કાયદાકીય ફરજ બને છે કે તેઓ કેસનાં તમામ તથ્યો, સંજોગો અને આરોપીના કૃત્યની પત્ની પર શું ઊંડી અસર થઈ તેનું જીણવટથી મૂલ્યાંકન કરે અને તે પછી જ કોઈ ચુકાદો આપે. આ તમામ અવલોકનો સાથે સુપ્રીમ કોર્ટે પૂરતાં પુરાવાઓના અભાવે પતિને તમામ આરોપોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

